મોરબી પાસની વાલી સમિતિનું ટૂંક સમયમાં વિસર્જન

 

પાસના નામે ભાજપની બી -ટીમ બની રાજકીય રોટલા શેકવાનું બંધ કરો : મનોજ પનારા

મોરબી : પાટીદાર અનામત આંદોલન સમિતિના સૂત્રધાર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ મોરબી પાસમાં રીતસર ફાંટા પડયા છે ત્યારે ગઈકાલે મોરબી પાસ ની વાલી સમિતિની મહત્વની મિટિંગ મળી હતી જેમાં વાલી સમિતિનું વિસર્જન કરવા નિર્ણય લેવાયો હતો, બીજી તરફ આ મામલે મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ પાસને વિખેરવાનો કોઈને અધિકાર ન હોવાનું જણાવી જ્યા સુધી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યાં સુધી કોઈ પાસ વિખેરી ન શકે તેમ જણાવી મોરબી પાસ વાલી સમિતિના નામે ભાજપની બી- ટીમ રાજકીય રોટલા શેકી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી પાસની વાલી સમીતીની મીટીંગ મળી હતી જેમા પાસના અનેક કાર્યકરો હાજર હતા અને તેમણે જણાવ્યું હતું કે આ સમીતીનુ વિસર્જન કરવામાં આવે. વધુમાં આજે પણ પાસ કાર્યકરોની અગત્યની બેઠક મળનાર છે જેમાં વિધિવત રીતે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરવામાં આવશે.

દરમિયાન મોરબી પાસ વાલી સમિતિના વિસર્જન અંગે મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે મોરબીમાં પાસના નામે ભાજપની બી – ટીમ રોટલા શેકી રહી છે, અનામત આંદોલન સમયે વડીલોને પાસની વાલી સમિતિમાં જોડવામાં આવ્યા હતા પરંતુ અમુક લોકો પાસના નામે ભાજપની બી – ટીમ બનીને કામ કરી રહ્યા છે. આ અગાઉ પણ ભાજપને લાભ અપાવવા આ લોકોએ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે કામ કર્યું હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી પાસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે પાસની વાલી સમિતિ વિસર્જન અંગે મનોજ પનારાએ કહ્યું હતું કે પાસના ઓરીજનલ કાર્યકરો ભાજપમાં ન ગયા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે જ્યાં સુધી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યાં સુધી પાસ વિખેરવાનો કોઈ પ્રશ્ન જ નથી, અને જે લોકોને પાસ છોડી જવું હોય તે જઈ શકે છે.