મોરબી : કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

એસ.ઓ.જી દ્વારા અલગ અલગ ટિમો બનાવીને કરાતી તપાસના કારણે હજુ વધુ આરોપીઓ ઝડપાવવાની સંભાવના

મોરબી : સાધારણ નાગરિકોને ભોળવી, તેના ડોક્યુમેન્ટ, ફોટા વગેરે મેળવીને તેનો ખોટો ઉપીયોગ કરી જુદી જુદી 16 બોગસ પેઢીઓ ઉભી કર્યા બાદ પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી તેના આધારે 3852 ઇ.વે.બિલ દ્વારા સરકારને રૂ. 17,76,60,556 (સત્તર કરોડ, છોતેર લાખ, સાઈઠ હજાર, પાંચસો છપ્પન રૂપિયા)નો ચૂનો ચોપડનાર કુલ 12 શખ્સો ઝડપાયા બાદ વધુ બે શખ્સો ઝડપાયા છે.

મોરબી એસઓજીએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ ટિમો બનાવીને ઊંડાણભરી તપાસ હાથ ધરી છે ત્યારે અગાઉ ઝડપાયેલા 12 આરોપી ઉપરાંત આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. પો.ઇન્સ. જે.એમ.આલના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં કૃષ્ણકુમાર ઉર્ફે કિશન રમેશભાઈ ગૌસ્વામી ઉં.વ. 24 ધંધો. ડ્રાયવિંગ, રહે વાંકાનેર દરવાજા, ભવાની ચોંક પાસે. મૂળ રહેવાસી સેકટર નં.13, છાપરા ધર નં. 391, વિદ્યુતબોર્ડ પાછળ, ગાંધીનગર તથા મનીષ ઉર્ફે મનો રામજીભાઈ ફેફર ઉં.વ.28, ધંધો. સીરામીક કોન્ટ્રાક્ટર, રહે. રવાપર રોડ, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, શિવમ પેલેસ, બ્લોક નં. 404 જી.મોરબી વાળાઓની અટક કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ આદરી છે. આ કેસમાં હજુ પણ ઘણા શખ્સોની સંડોવણી બહાર આવે તેમ હોય એસ ઓ જીની અલગ અલગ ટિમો દ્વારા કાર્યવાહી ચાલુ છે.