હળવદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધી

 

કેન્દ્રમાં પુનઃ ભાજપની સરકાર બનશે તો દેશ સ્થિર થશે :વિજય રૂપાણી
મુખ્યમંત્રીની સભામાં ભાજપના ઉમેદવાર સહિત આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત : દિપ પ્રાગટય કરી ભાજપના કાર્યાલયનો કરાયો શુભારંભ

હળવદ : હળવદના શરણેશ્વર ઉપવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભામાં ખાસ હાજરી આપી અને ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે સભાને ગજવી હતી. લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપના ઉમેદવારને જંગી બહુમતી સાથે વિજય બનાવવા હળવદના શરણેશ્વર ઉપવનમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી હતી.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી ભાજપની કાર્યાલયને ખુલ્લી મુકી હતી. આ જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર પ્રધાન સેવકના હાથે દેશ સુરક્ષીત અને વિકાસશીલ રહ્યો છે જેમાં દેશ-વિદેશમાં ભારતની નામના અને ગૌરવ વધ્યું છે. તો સાથો સાથ કોંગ્રેસ પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસના ૬૦ વર્ષના શાસન સામે ભાજપના પ વર્ષની સરકારની તુલના કરી ભાજપની સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. આજની જાહેરસભામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત ભાજપને જંગી બહુમતી જીતાડવા નેમ વ્યકત કરાઈ હતી. શરણેશ્વર ખાતે યોજાયેલ જાહેરસભામાં ભાજપ ઉમેદવાર પરસોતમ સાબરીયા, ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, હળવદ તાલુકા પંચાયત ધર્મેન્દ્રસિંહ ઝાલા, જશુભાઈ પટેલ, ધીરૂભા ઝાલા, રજનીભાઈ પટેલ, જેરામ સોનગ્રા, પાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, બિપીનભાઈ દવે તેમજ હળવદ, ધ્રાગંધ્રા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીની જાહેરસભામાં હળવદ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાએસપી, ૩ પી.આઈ., ૮ પી.એસ.આઈ. સહિત ૬૦થી વધુ પોલીસ સ્ટાફનો કાફલો તૈનાત કરાયો હતો.