સિરામિક ઉદ્યોગમાં ગેસ ધાંધિયા યથાવત : શટડાઉન જેવી સ્થિતિ

- text


 

ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે નવી લાઈન નાખવાની કામગીરી શરૂ : આજે છઠ્ઠા દિવસે પણ કારખાનાઓમા આઠથી બાર કલાક સુધી ગેસ સપ્લાય ઠપ્પ

મોરબી : સિરામિક હબ મોરબીમાં કોલગેસ પ્લાન્ટ બંધ થતાં જ નેચરલ ગેસનો વપરાશ બમણાંથી પણ વધી જતાં છેલ્લા છ દિવસથી ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસનું પ્રેસર ઘટી જતાં દરરોજ બેથી બાર કલાક સુધી ગેસ પુરવઠો ન મળતા સિરામિક ઉદ્યોગને ફરજિયાત શટડાઉન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ ગુજરાત ગેસ કંપની પણ સમસ્યા ઉકેલવા મથી રહી છે અને હાલમાં યુદ્ધના ધોરણે નવી લાઈન નાખવાની કામગીરી શરૂ કરી લો પ્રેસરની સ્થિતિમા ઉદ્યોગકારોને બીલમાં રાહત આપવા જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઉદ્યોગ દ્વારા વપરાતા કોલગેસ પ્લાન્ટ ઉપર એનજીટીએ પ્રતિબંધ લાદતા ઉદ્યોગકારો માટે એકમાત્ર નેચરલ ગેસનો જ વિકલ્પ બચતા ગેસની માંગમાં અચાનક જ જબરો ઉછાળો આવ્યો છે જેને પરિણામે ખાસ કરીને મોરબીના પીપળીરોડ વિસ્તારમાં આવેલ સિરામિક એકમોમાં ગેસનો પુરવઠો ખોરવાઈ જતા ૨૫થી ૩૦ જેટલા એકમોમાં ગત તા. ૬ એપ્રિલથી આજદિન સુધી દૈનિક બે કલાકથી લઈ ૨૦ કલાક સુધી લો પ્રેસર થઈ જતા ઉદ્યોગોમાં પ્રોડક્શન ઠપ્પ થઈ જવા પામ્યું છે.

બીજી તરફ મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર આવી પડેલી નેચરલ ગેસની અણધારી આફ્તને કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાતા મોરબી સિરામિક એસોશિએશન મેદાને આવ્યું હતું અને ઉદ્યોગકારોની મુશ્કેલીના ઉકેલ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ગાંધીનગર રજુઆત કરવામાં આવતા સીએમ દ્વારા પણ સિરામિક ઉદ્યોગની સમસ્યા ઉકેલવા ગુજરાત ગેસને તાકીદ કરવામાં આવી હતી.

દરમિયાન મુખ્યમંત્રીના આદેશને પગલે હરકતમાં આવેલ ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગની પ્રવર્તમાન અને ભવિષ્યની માંગને પહોંચી વળવા હાલમાં યુદ્ધના ધોરણે નવી પાઇપલાઇન બીછવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉપરાંત ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં સીરામીક ઉદ્યોગને લો પ્રેસરને કારણે પડી રહેલી મુશ્કેલીમાં જે – જે ઉદ્યોગકારો લો પ્રેસર અને ફરિયાદ કરી હોય તેમને એપ્રિલ માસના બીલમાં રાહત આપવા નિર્ણય કર્યો છે અને આ અંગેની લેખિત જાણ પણ મોરબી સિરામિક એસોશિએશનને કરી છે.

- text

ઉલ્લેખનીય છે કે નેચરલ ગેસની સપ્લાયમાં સમસ્યા સર્જાતા સિરામિક ઉદ્યોગોને દરરોજ લાખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું હોય જ્યા સુધી ગેસ વિતરણ પૂર્વવત ન થાય ત્યાં સુધી સ્વૈચ્છીક શટડાઉન કરવા પણ ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને વિકલ્પ આપવામાં આવ્યો છે.

બીજી તરફ ગેસ સમસ્યાના પ્રશ્ને મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ અને મોરબી સિરામિક એસોશિએશન દ્વારા સતત મંત્રણાઓનો દૌર ચાલી રહ્યો છે એ સંજોગોમાં અચાનક વધેલી ગેસની માંગનો પ્રશ્ન સત્વરે ઉકેલી શકાય તેમ ન હોય સિરામિક ઉદ્યોગને હલતુર્ત તો સમસ્યાનો સામનો કરવા સિવાય ઉકેલ ન હોવાનું સ્પષ્ટ છે.

- text