મોરબીમાં ૪૮ કલાક બાદ પણ ગેસના ધાંધિયા યથાવત : ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારી મોરબી દોડી આવ્યા

વારંવાર મનમાની કરતા ગુજરાત ગેસ પાસેથી નુકશાની વળતર માંગવા ઉદ્યોગકારો મેદાને

મોરબી : ગુજરાત ગેસની ઘોર બેદરકારીને કારણે કુદરતીગેસની સપ્લાયમાં ૪૮ કલાક બાદ પણ ધાંધિયા યથાવત રહેતા કરોડો રૂપિયાનું વિનાકારણે નુકશાન જતા સિરામિક ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને આ રોષ જોતા ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી મોરબી દોડી આવ્યા છે, જો કે, લડી લેવાના મૂડમાં રહેલા સિરામિક ઉદ્યોગકારો દ્વારા હવે ગુજરાત ગેસ કંપનીનો વિકલ્પ માંગવા કેન્દ્ર – રાજ્ય સમક્ષ ચૂંટણી સમયે જ માંગ કરતા નવાજુનીના અણસાર સાંપડી રહયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવાર સાંજથી જ સિરામિક ઉદ્યોગને પાઇપલાઈન મારફતે આપવામાં આવતા કુદરતી ગેસનું પ્રેસર તળિયે બેસી જતા પીપળી રોડ વિસ્તારમાં આવેલા ૨૫થી વધુ સિરામિક યુનિટોને કરોડો રૂપિયાની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે અને ગુજરાત ગેસની લાપરવાહ નીતિને કારણે ૪૮ કલાક બાદ પણ હજુ પાઇપલાઇન મારફતે આપતા ગેસનું પ્રેસર ન વધતા તમામ યુનિટમાં પ્રોડક્શન ઠપ્પ થઈ ગયું છે.

બીજી તરફ મોરબીના સિરામિક ઉદ્યોગને જોઈએ તેટલો નેચરલ ગેસ પૂરો પાડવાનો ગુજરાત ગેસનો વાયદો પોકળ સાબિત થવા ઉપરાંત ૪૮ – ૪૮ કલાક બાદ પણ ગુજરાત ગેસ દ્વારા સમાસ્યાનો ઉકેલ લાવવાને બદલે ઉદ્યોગકારો પાસે લેખિતમાં રજુઆત આપવા કહેવામાં આવતા ઉદ્યોગકારો સમસમી ગયા છે.

મહિને દહાડે સિરામિક ઉદ્યોગ થકી કરોડો રૂપિયાનો બિઝનેશ કરતા ગુજરાત ગેસના અક્કળ અને જીદી વલણને કારણે સિરામિક ઉદ્યોગકારો હવે તોબા પોકારી ગયા છે ત્યારે ગુજરાત ગેસ પાસે મોરબીનું એકચક્રી શાસન હોય કાયમી દાદાગીરીમાંથી મુક્તિ માટે હવે આ મામલે સિરામિક એસોશિએશન પણ મેદાને આવ્યું છે.

દરમિયાન મોરબીમાં ગુજરાત ગેસની સમસ્યા સામે ઉદ્યોગકારો અને મોરબી સિરામિક એસોશિએશન એક બની લડત આપવા નક્કી કરતા ગુજરાત ગેસને રેલો આવ્યો છે અને આજે ગુજરાત ગેસના નીતિન પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ મોરબી દોડી આવી ઉદ્યોગકારોના ગુસ્સાને શાંત પાડવા મહત્વની મિટિંગ પણ યોજી હોવાનું સૂત્રો જણાવો રહયા છે. જો કે આ વખતે ગુજરાત ગેસ બરાબરનું આંટીમાં આવ્યું હોય ઉદ્યોગકારો દ્વારા નુકશાની વળતર પણ માંગવામાં આવ્યું હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.