હળવદમાં રબારી સમાજની છાત્રાલયનો પ્રારંભ

- text


રબારી સમાજને લાકડીયું મુકીને હવે કલમ પકડવાની જરૂર છે : દુધરેજ મહંત પૂ. કણીરામ બાપુ

રબારી સમાજના ૬૦થી વધુ છાત્રો સંકુલમાં રહી ઉજ્વળ ભવિષ્યનું કરશે ઘડતર : કાર્યક્રમમાં સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

હળવદ : હળવદ ખાતે નવનિર્માણ પામેલ રબારી સમાજની છાત્રાલયનું રવિવારે શુભાંરભ કરવામાં આવ્યું હતું. જેમાં વડવાળા મંદિર દુધરેજના મહંત પૂ.કણીરામ બાપુ તથા વડવાળા મંદિર દુધઈના મહંત પુ.રામબાલક દાસ બાપુ સહિત સંતો – મહંતોએ આર્શિવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો સહિત સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઝાલાવડની શૈક્ષણિક નગરી હળવદમાં શિક્ષણનો વ્યાપ વધવા પામ્યો છે તેમજ હાલ હળવદ ઝાલાવાડમાં શિક્ષણનું હબ ગણાય છે ત્યારે હળવદ પરગણાના રબારી સમાજના યુવાનોની મહેનતથી છાત્રાલયનું સર્જન થવા પામ્યું છે. જેમાં રબારી સમાજના ૬૦થી છાત્રો પોતાનું ઉજ્વળ ભવિષ્ય માટે શ્રીમતી મણીબેન ઝાઝણભાઈ ધાંધર રબારી સમાજની છાત્રાલયના સંકુલમાં રહીને અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રવિવારે છાત્રાલયના સંકુલનો પ્રારંભ કરાયું હતું. આ પ્રસંગે દુધરેજના મહંત પૂ.કણીરામ બાપુ અને પુ. રામબાલક દાસ બાપુ સહિત મંચસ્થોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

- text

જેમાં પૂ.કણીરામ બાપુએ પ્રાસંગીક ઉદ્‌બોધન જણાવ્યું હતું કે, રબારી સમાજમાં દિકરીને પણ મહત્વ આપો અને સમાજની દિકરી ભણશે તો ત્રણ કુળને તારશે. રબારી પરગણા સમાજ માટે વડવાળા દેવના આર્શિવાદ સદાય રહેશે. ઉપરાંત અન્ય સમાજની દિકરી મુખ્યમંત્રી બની શકતી હોય તો રબારી સમાજની દિકરી કેમ નહીં. વધુમાં પૂ.બાપુએ કહ્યું હતું કે, જયારે તમારા ઘેર કોઈપણ પ્રસંગનુ ટાણું હોય ત્યારે તીથીને સાચી રીતે ઉજવવા માટે રૂ.પ૦૦૧નું દાન શિક્ષણમાં કરશો ત્યારે રબારી સમાજમાં શિક્ષણ જયોત સાર્થક ગણાશે. આ વેળાએ વડવાળા મંદિર દુધરેજના કોઠારી મુકંદદાસ બાપુ, બંશીરામ બાપુ તેમજ બાબુભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ સાવધરિયા, દેવેનભાઈ રબારી (યંગ ઈન્ડીયા ગ્રુપ), નાજાભાઈ રબારી, અરજણભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વ્યક્તિત્વ વિકાસ માટે જાણીતા અને ખ્યાતનામ ગુજરાતી સ્પીકર ડો.સંજય રાવલે વિશેષ વકતવ્ય આપ્યું હતું તેમજ રાત્રે રાસ -ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબાભાઈ હણ, ભરતભાઈ ગોયલ, નરેશભાઈ માસ્તર, ભરતભાઈ કરોત્રા, જનકભાઈ વકીલ, જગદીશભાઈ રબારી, જગદીશભાઈ ગોયલ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text