ગુજરાતી રંગભૂમિના તીર્થધામ ગણાતા મોરબીમાં દેશનુ એકમાત્ર નાટ્યકલા સંગ્રહાલય

- text


ગુજરાતી રંગભૂમિના તીર્થધામ ગણાતા મોરબીમાં દેશનુ એકમાત્ર નાટ્યકલા સંગ્રહાલય

૧૯૬૫મા સ્થપાયેલા આ સંગ્રહાલયમા નાટકોની હસ્તપ્રતો, તાવડી વાજા પર વગાડાતા રેકોર્ડઝ, નાટ્યકારોના તૈલય ચિત્રો, નાટ્યના પ્રાચીન પહેરવેશો સહિતની ચીજ વસ્તુઓનું અદભુત કલેક્શન

મોરબી : ગુજરાતી રંગભૂમિના તીર્થધામ ગણાતા મોરબી શહેરમાં દેશનું એક માત્ર નાટ્યકલા સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં ૧૯૬૫મા સ્થપાયેલા આ સંગ્રહાલયમા નાટકોની હસ્તપ્રતો, તાવડી વાજા પર વગાડાતા રેકોર્ડઝ, નાટ્યકારોના તૈલય ચિત્રો, નાટ્યના પ્રાચીન પહેરવેશો સહિતની ચીજ વસ્તુઓનું અદભુત કલેક્શન છે. હજુ પણ આ સંગ્રહાલયને નિહાળવા દેશ વિદેશથી નાટ્યપ્રેમીઓ આવે છે.

 

મોરબી શહેરને ગુજરાતી રંગભૂમિનું તીર્થધામ ગણવામાં આવે છે. કારણકે મોરબીના મૂળજી ઓઝા અને વાઘજી ઓઝા આ બન્ને ભાઈઓએ સૌ પ્રથમ ૧૮૭૮મા રાજાભરથરી નાટક ભજવ્યું હતું. આ ઓઝાબંધુનું નાટક સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયું હતું. આમ મોરબીએ નાટ્યકલામાં આગવી નામના હાંસલ કરી હતી. નાટ્યકલા માટે જાણીતા મોરબી શહેરમાં વર્ષ ૧૯૬૫મા નાટ્યકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાટ્ય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગ્રહાલયની સંપૂર્ણ જવાબદારી નાટ્યગુરૂ તરીકે ઓળખાતા સ્વ. મહેન્દ્ર દવેના શિરે હતી. તેઓએ ગુજરાતી રંગભૂમિમાં પ્રાણ પૂર્યા છે. તેઓની રગ રગમા નાટયકલા જ સમાયેલ હતી.

૧૯૮૦ સુધી શહેરમાં મણીયાર હોલ હયાત રહ્યો હતો. જ્યા સ્વ. મહેન્દ્ર દવે નાટકો ભજવતા હતા. આ સાથે રંગભવન ટાઉનહોલ અને નાટ્યકલા સંગ્રહાલય ખાતે પણ નાટ્યકલાની અવિરત પણે પ્રસ્તુતિઓ થતી હતી. ઉપરાંત સ્વ. મહેન્દ્ર દવેએ નાટ્યસંગ્રહાલય માટે ઠેક ઠેકાણે ફરીને અદભુત કલેક્શન એકત્ર કર્યું હતું. જો કે હાલ સ્વ. મહેન્દ્ર દવેના પુત્ર દર્પણ દવે આ સંગ્રહાલયની સાર સંભાળ કરી રહ્યા છે. હાલ દેશ વિદેશથી નાટ્યપ્રેમીઓ આ સંગ્રહાલયને જોવા માટે આવે છે. દર્પણ દવે પર્યટકો ગમે ત્યારે આવે સંગ્રહાલય ખોલી આપીને હર્ષભેર તમામ ચીજ વસ્તુઓ બતાવીને તેના વિશે માહિતી પૂરો પાડે છે.

આ નાટ્યકલા સંગ્રહાલયમા નાટકમાં ઉપયોગમાં લેવામાં આવતા પડદા, પાઘડી, પરંપરાગત સાડી, સિરપાવ, પોશાક, તલવાર, મોજડી, વસ્ત્રો, સુડી, ચશ્મા, ચાખડી, ફોટોફ્રેમ, તાવડી વાજામા વગાડાતા ૨૫૦ જેટલા રેકોર્ડઝ, ૧૧૮ સંસ્કૃત હસ્તપ્રતો, ૩૯૦ નાટકોની હસ્તપ્રતો, સહિત્યકારોના ૧૧૮ તૈલય ચિત્રો, ૪૮૯ નાટકોના ૭૮૦ જેટલા પ્રાચીન સિક્કાઓ, ૨૫ જેટલી ધાતુની મૂર્તિઓ, ૬૦થી ૭૦ વર્ષ પૂર્વેના નાટકોના ચોપાનીયાઓ, જાહેરખબરો વગેરેનું અદભુત કલેક્શન કરવામાં આવ્યું છે.

- text

આ સંગ્રહાલયમા વિશ્વના પ્રથમ નાટ્યકાર એસ્કિલસનું તૈલય ચિત્ર પણ છે. સંગ્રહાલય પાસે અદભુત પ્રાચીન કલેક્શન છે. ઉપરાંત આ સંગ્રહાલય છેલ્લા ૫૪ વર્ષોથી પર્યટકો માટે ખુલ્લું છે. તેમ છતાં સંગ્રહાલયની જાળવણી માટે કોઈ સરકારી ગ્રાન્ટ મળતી નથી. સંગ્રહાલયની જગ્યા નાની હોવાથી નાટ્યકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનાળા રોડ પર ઓમશાંતિની સામે વિશાળ જગ્યા સંગ્રહાલયને આપવામાં આવી છે. જે હાલ કોર્ટ મેટર છે. જો કે નાટ્યપ્રેમીઓઓ એવી પણ માંગ ઉઠાવે છે કે પાલિકાએ કેસ વિડ્રો કરી નાખવો જોઈએ તેમજ આ સંગ્રહાલયના પ્રણેતા સ્વ. મહેન્દ્ર દવેને મરણોત્તર એવોર્ડ પણ એનાયત કરવો જોઈએ.

- text