મોરબીના પાનેલીમા ડે. કલેકટરે કાર્યવાહીની ખાત્રી આપતા ગ્રામજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકાર્યો

- text


 

ખનીજ ચોરી કરતા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધા બાદ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડાવ્યો

મોરબી : મોરબીના પાનેલી ગામ પાસે આજે ખનીજ ચોરી કરીને માંતેલા સાઢની માફક ધસી આવેલા ટ્રકે એક વૃદ્ધનો ભોગ લેતા ગ્રામજનોએ મૃતદેહ ન સ્વીકારવાની મનાઈ કરી હતી. જેના પગલે ડે. કલેકટર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈને યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા અંતે ગ્રામજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાનેલી ગામે રહેતા ખેડૂત મીઠાભાઈ હંસરાજભાઈ હડિયલ ઉ.વ.65 નામના વૃધ્ધ આજે ગામમાં આવેલી પોતાની વાડીએ કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે પાનેલી રોડ પર ખનીજ ચોરી કરીને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આ વૃદ્ધને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભયું મોત નીપજ્યું હતું.

- text

આ બનાવના પગલે ગ્રામજનો ખનીજ માફિયાઓ સામે રોષે ભરાયા હતા અને ગ્રામજનો પાનેલી રોડ પર એકઠા થઈને ચક્કાજામ કરી દીધો હતો. ખાસ્સો સમય સુધી ચક્કાજામ કરનાર ગ્રામજનોએ જ્યાં સુધી કલેકટર રૂબરૂ આવી ખનીજચોરો સામે કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન ચાલુ રાખી વૃદ્ધનો મૃતદેહ ન સ્વીકારવાનો નીર્ધાર કર્યો હતો.

જો કે બનાવ અંગે જાણ થતા ડે. કલેકટર ખાચર અને મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ તકે અધિકારીઓએ પેટ્રોલિંગ વધારવા તેમજ ખનિજચોરી સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો અને ગ્રામજનોએ વૃદ્ધના મૃતદેહને સ્વીકાર્યો હતો. બાદમા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text