વાંકાનેર: વૃદ્ધાશ્રમના વડીલો જુના ગીતોના સથવારે ફરી એક વાર યુવા બની ગયા

- text


પરશુરામ ગ્રુપના યુવાનોએ કરાઓકે દ્વારા ઓલ્ડ ઇસ ગોલ્ડ ફિલ્મી ગીત સંગીતથી વૃદ્ધાશ્રમના વડીલોને ડોલાવ્યા

વાંકાનેર : વૃદ્ધ થવું કોઈને ગમતું નથી પણ વૃદ્ધત્વ એ કુદરતનો ક્રમ છે, પ્રકૃતિનો નિયમ છે. દરેકના જીવનમાં આ તબક્કો આવતો જ હોય છે. વૃદ્ધાવસ્થામાં દરેક વડીલ એવું ઇચ્છતા હોય કે સંતાનોના સંતાનોને રમાડીએ, મંદિરે દેવ દર્શને જઈએ, જુના મિત્રો કે સરખી ઉંમરના સગા વ્હાલાઓને મળતા રહીએ. પણ ઘણા વૃધ્ધોને પરીવારનો સ્નેહ અને સાનિધ્ય મળતા નથી. કેટલાક વડીલોને ઘરડાઘરમાં પરિવારથી દુર રહેવાનો વારો પણ આવતો હોય છે.

ત્યારે વાંકાનેરના યુવાનો શહેરના વૃદ્ધાશ્રમના વડીલો માટે દર માસે વિવિધ કાર્યક્રમો યોજી વૃધ્ધોને આનંદ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે.
વાંકાનેર વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર હાસ્ય આવે તેમજ તેમને સ્નેહ-હુંફ મળે તેવા ઉમદા હેતુથી વાંકાનેરના યુવાનો દર મહિને વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી પાનખરે પહોંચેલા વડીલોને ખુશ કરે છે.

તાજેતરમાં વૃદ્ધાશ્રમના વડીલો માટે વાંકાનેરના પરશુરામ ગ્રુપ દ્વારા રફી લત્તા અને મુકેશ જેવા અમર ગાયકોના જુના સદાબહાર ગીતો કે જે વડીલોના સુવર્ણયુગના યાદગાર ગીતો હતા જેની કરાઓકે સિસ્ટમ દ્વારા રજુઆત કરી હતી. આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં પરીક્ષીતભાઈ પંડયા, મયુરભાઈ પંડયા, નિસર્ગ ભટ્ટ, વિરાજભાઈ મહેતા, અશ્વિનભાઈ, પ્રકાશભાઈ પંડ્યાએ યાદગાર જૂની ફિલ્મોના સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરી હતી.
બે કલાક માટે આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમ 3 કલાક ચાલ્યો હતો અને વડીલોએ મન ભરીને કાર્યક્રમ માણ્યો હતો. જુના કર્ણપ્રિય ગીતોના તાલે વડીલો મન મુકીને ઝૂમ્યા હતા અને થોડા કલાકો પૂરતા પણ પોતાના દુઃખ દર્દ, વ્યથા એકલતાપણું ભૂલ્યા હતા. વાંકાનેર યુવાનોના આ અનેરા પ્રયાસને સૌ કોઈ આવકારી રહ્યું છે. વડીલો માટે કરી રહેલા આવા ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે.

- text

- text