મોરબીમાં તસ્કરોનો તરખાટ : બે સ્થળોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો

- text


રહેણાંકમાંથી રૂ. ૪.૮૦ લાખના સોના ચાંદીના દાગીના તેમજ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. ૬૨ હજારની કિંમતનું ૧૨૫૦ કિલો લોખંડ તસ્કરો ઉઠાવી ગયા

મોરબી : મોરબીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ બે સ્થળોએ ચોરીના બનાવો નોંધાયા છે. શહેરના એક રહેણાંક મકાનમાંથી રૂ. ૪.૮૦ લાખના સોના ચાંદીના દાગીના તેમજ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. ૬૨ હજારની કિંમતનું ૧૨૫૦ કિલો લોખંડ તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ગત તા. ૨ના રોજ બાયપાસ રોડ પર રાધે સ્ટોનની સામે પાણી પુરવઠા આવાસ ક્વાર્ટર નંબર બી-૧, એ -૨ના દરવાજાનો નકુચો અજાણ્યા તસ્કરોએ તોડી નાખી ઘરમાં પ્રવેશીને કબાટમાં અને સ્કૂલ બેગમાં રાખેલ સોનાના ૨૦ તોલા તથા ચાંદીના ૪૦૦ ગ્રામના દાગીના મળી કુલ રૂ. ૪.૮0 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જો કે આ મામલે ગઈકાલે તાલુકા પોલીસ મથકે મકાનદાર ચેતનભાઈ હરકાંતભાઈ જોશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં રાજકોટના કોન્ટ્રાકટર હીરાભાઈ દેવદાનભાઈ ડાંગરે મોરબી બાયપાસ રોડ પર કેનાલ પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે રૂ. ૬૨,૫૦૦ની કિંમતના લોખંડના મોટા જેક એંગલ ૫૦ નંગ રાખ્યા હતા. આ એંગલ ગત તા. ૧૫ના અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે આ લોખંડના એંગલનો વજન ૧૨૫૦ કિલો હતો. જેની ઉઠાંતરી કરવી કોઈ એક તસ્કરનું કામ નથી. આ ચોરી પાછળ તસ્કરોની આખી ગેંગનો હાથ હોવાની શક્યતા હાલ સેવાઇ રહી છે. આ મામલે કોન્ટ્રાકટરે એ ડિવિઝન પોલીસમા ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વધુ એક વખત પોસ્ટ ઓફિસના તાળા તૂટ્યા

મોરબીના સમાકાંઠે આવેલ પોસ્ટ ઓફીસના વધુ એક વખત તાળા તૂટયા છે. તસ્કરોએ પહેલા બારીમાંથી પોસ્ટ ઓફિસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે શક્ય ન બનતા તેઓએ તાળા તોડીને બારણું ખોલી નાખ્યું હતું. બાદમાં બારણા સાથે ફિટ કરાયેલ લોખંડની જારી તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આ જારી ન તૂટતા અંતે તસ્કરોએ હાર મારીને ચોરી કરવાનું માંડી વાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમાકાંઠે અગાઉ પણ આ પોસ્ટ ઓફિસના તાળા તૂટ્યાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text