મોરબીમાં જરૂરિયાતમંદ દરિદ્રનારાયણોની જઠરાગ્નિ ઠારતુ જલારામ અન્નક્ષેત્ર

- text


ગયા અઠવાડિયે શરૂ થયેલા આ અન્નક્ષેત્ર દરરોજ ૧૫૦ દર્દીઓને હોસ્પિટલમાં ભોજન પહોંચાડે છે : ભટ્ટી પરિવારે દરિદ્રનારાયણોની સેવાને જીવન મંત્ર બનાવ્યો

મોરબી : મોરબીમાં જરૂરિયાત મંદ દરિદ્રનારાયણોની જઠરાગ્નિ ઠારવા માટે અઠવાડિયા પૂર્વે જલારામ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ અન્નક્ષેત્ર હોસ્પિટલમાં જઈને હાલ ૧૫૦ દરિદ્રનારાયણોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડી રહ્યું છે. આ અન્નક્ષેત્ર ચલાવતા ભટ્ટી પરિવારે દરિદ્રનારાયણોની સેવા કરવાના ધ્યેયને જીવન મંત્ર બનાવીને સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

રાજકોટમા કાર્યરત જલારામ અન્નક્ષેત્રએ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દરિદ્રનારાયણોને ભાવથી ભોજનીયા કરાવીને સેવા ક્ષેત્રે એક ઉમદા મિશાલ કાયમ કરી છે. કંચનબેન ધીરાજલાલ ભટ્ટી નામના ૬૫ વર્ષના વૃદ્ધાએ આ સેવા તેમના પતિ હયાત હતા ત્યારે તેમના સહયોગથી શરૂ કરી હતી. છેલ્લા ૧૯ વર્ષથી રાજકોટમાં આ સેવા યજ્ઞ ચાલતો હતો. પરંતુ એક વર્ષ પૂર્વે તેમના પતિ ધીરજલાલનું નિધન થયું હતું. તેમ છતાં તેઓએ આ સેવાયજ્ઞ યથાવત રાખ્યો હતો.

બાદમાં મોરબીમા દરિદ્રનારાયણોની સેવા માટે જલારામ અન્નક્ષેત્રની વધુ જરૂર હોય દાતાઓના આગ્રહને માન આપીને કંચનબેને જલારામ અન્નક્ષેત્ર મોરબીમાં શરૂ કર્યું છે. આ અન્નક્ષેત્રનો ભાડે રાખેલા મકાનમાં એક અઠવાડિયા પૂર્વે શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલ દરરોજ જલારામ અન્નક્ષેત્ર દ્વારા શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૫૦ જેટલા જરૂરિયાતમંદ દરિદ્રનારાયણોને હોસ્પિટલમાં જઈને ભોજન આપવામાં આવી રહ્યું છે.

- text

હોસ્પિટલના રિટાયર્ડ સરકારી કર્મચારી કંચનબેનની સાથે તેમના ત્રણ પુત્રો તેમજ પુત્રવધુ પણ વહેલી સવારથી દરિદ્રનારાયણો માટે ચાલતા આ સેવાયજ્ઞમાં જોડાઈ જાય છે. આમ જાણે કંચનબેનના આખા પરિવારે દરિદ્રનારાયણોની સેવાને જ જીવનમંત્ર બનાવી લીધું છે. આ સાથે સ્થાનિક સેવાભાવી સુનિલભાઈ જસાપરા, પ્રફુલાબેન, જીજ્ઞેશભાઈ પટેલ અને સંજયભાઈ અઘારા પણ તેઓને મદદરૂપ થાય છે.

દરિદ્રનારાયણોની સેવાર્થે ચાલતા આ અન્નક્ષેત્રને દાતાઓનો પણ પૂરો સહયોગ મળે છે. સિમ્પોલો ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ વાન મારફતે અન્નક્ષેત્ર દ્વારા હોસ્પિટલ સુધી જઈને દરિદ્રનારાયણોને હાથોહાથ ટિફિન આપવામાં આવે છે. હાલ અન્નક્ષેત્ર દ્વારા દરરોજ જરૂરિયાતમંદ દરિદ્રનારાયણોને સવારે દાળ, ભાત, શાક, રોટલી અને મગનું પાણી તેમજ સાંજે કઢી, ખીચડી, શાક અને ભાખરી આપવામાં આવે છે. આ ઉપરાંત સિઝન પ્રમાણે કેરીનો રસ, શિરો સહિતની ખાસ વાનગીઓ પણ ટીફીનમાં આપવામાં આવે છે.

હાલના સમયમાં પરિવાર માટે પણ કોઈ વ્યક્તિ પાસે પૂરતો સમય હોતો નથી. તેવામાં કંચનબેન ભટ્ટી પોતાના પરિવાર સાથે મળીને જરૂરિયાતમંદ દરિદ્રનારાયણોની જઠરાગ્નિ ઠારવા માટે જે સેવાયજ્ઞ ચલાવી રહયા છે. તે સમાજ માટે પ્રેરણાદાયી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text