વાંકાનેરમાં દબાણ હટાવ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ : હાલ પરિસ્થિતિ જૈસે થે!!

વાંકાનેર નગરપાલિકા અને સિટી પોલીસે સફળતાપૂર્વક સંયુક્ત કામગીરી કરેલ : થોડા સમયમાં જ દબાણો યથાવત

વાંકાનેર : ઐતિહાસિક નગરી વાંકાનેર રાજાશાહી વખતમાં બનેલ હોય મેઇન બજાર સાંકડી છે. આધુનિક સમયમાં ઘરે-ઘરે વાહનો થતાં વાંકાનેરના રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ વિકટરૂપ બનતી જાય છે. ગત માર્ચ મહિનામાં નગરજનોને ટ્રાફિકજામ માંથી મુક્તિ અપાવવા માટે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વાંકાનેર સીટી પોલીસને સાથે રાખી શહેરમાંથી ગેરકાયદેસર દબાણો, લારી-ગલ્લા, હેર્ડિંગ હટાવવાનું આયોજન કરેલ જેમાં સતત એક મહિના સુધી દબાણ હટાવો ઝુંબેશ ચલાવી ટ્રાફિક કલીયર કરવામાં સફળતા હાંસિલ કરેલ અને વાંકાનેરની બજારોમાંથી ટ્રાફિકજામ વગર સરળતાથી વાહનચાલકો પસાર થતાં.

વાંકાનેરની બજારોમાંથી લારી-ગલ્લા દૂર થતાં અને મોકળાશ ભર્યુ વાતાવરણ મળતાં વાંકાનેરની મહિલાઓ દ્વારા સ્વેચ્છાએ વાંકાનેર નગરપાલિકા સ્ટાફ અને પોલીસ અધિકારીઓની કામગીરી બિરદાવી અને સન્માન કરેલ. પરંતુ અફસોસ કે એ કામગીરીને આજે એક જ વર્ષ થયું ત્યાં બજારોમાં દબાણો હતા એના કરતાં વધુ વિકટ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને વાંકાનેરની પ્રજાને એ જ ટ્રાફિકજામમાં પસાર થવું પડે છે ઇચ્છનીય છે કે દૂર કરેલ દબાણો ફરી પાછા ન થવાં જોઈએ, જેના માટે સતત એક ટીમ હેઠળ નિરીક્ષણ થવું અનિવાર્ય છે નહીં તો સમય આવ્યે દબાણ હટાવાય છે અને ફરી પાછાં દબાણો થઈ જાય છે.

ખાસ કરી માર્કેટચોકમાં વાત કરીએ તો દબાણોમાં ચાની લારીઓ, નાસ્તાની લારીઓ, કારણ વગરના લોકોની બેઠકો, ઈકો ચાલકો, રીક્ષા ચાલકો અને રેંકડીવાળાઓના ત્રાસને કારણે અડધાથી વધુ પડતાં રોડ પર આ લોકોનો અડિંગો હોવાથી સતત ટ્રાફિક જામ રહે છે ઉપરાંત સ્ટેચ્યુ પાસેના નવા પુલની પહોળાઈ એ માટે વધારવામાં આવી હતી કે ટ્રાફિકનો પ્રશ્ન ન રહે પરંતુ તે પુલ પર લોકો વાહ પાર્કિંગ કરવાં લાગતાં ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. મેઇન બજારમાં પણ રેકડી ધારકોની દાદાગીરીના કારણે અને બજારમાં જ વાહનચાલકો પોતાના વાહનો પાર્ક કરતાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહ્યો છે. સીટી સ્ટેશન રોડ પર નજર કરીએ તો ગામડેથી આવતાં છકડો રિક્ષા ચાલકો દિવસ દરમિયાન ત્યાં જ પાર્કિંગ કરતાં હોય ઉપરાંત લારીધારકોની લાઇન લાગતાં બંને તરફ દબાણો સર્જાતા અડધાથી પણ ઓછો રસ્તો રાહદારીઓ ઉપયોગ કરી રહ્યા છે માટે ત્યાં પણ સદંતર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. નેશનલ હાઇવે પર પણ બંને તરફના સર્વિસ રોડ પર ઇકો ચાલકો અને રીક્ષા ચાલકોના પાર્કિંગના લીધે દબાણો સર્જાયા છે અને નાસ્તાની લારીઓ અને વાહનચાલકોના આડેધડ પાર્કિંગ માથાનો દુખાવો બની રહ્યા છે. વાંકાનેર-રાજકોટ રોડ પર અમરસર ફાટક પાસે પણ દુકાનદારોએ આગળના ભાગે 200 થી 300 ફૂટ સુધી દબાણ કરેલ હોય વાહનો રોડ પર પાર્ક કરવાની ફરજ પડે છે માટે ત્યાં પણ હંમેશા ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

આજે વાંકાનેરમાં ફરી એક વર્ષ બાદ પ્રજાને ટ્રાફિકજામમાંથી છુટકારો અપાવવા દબાણકારો પર ફરી ડિમોલિશન કરવાની જરૂરિયાત છે પરંતુ એ પણ જોવું રહ્યું કે આ નાના વેપારીઓ અને લારી ચાલકો મજૂરી કરી પોતાના પરિવારનું બે ટંકનું ભરણપોષણ કરી રહ્યા હોય તેમને પણ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે અને ગત વર્ષે જે મોટા વેપારીઓના દબાણો દૂર કરવામાં નથી આવ્યા તેમની પણ શેહશરમ રાખ્યા વગર દબાણો દૂર કરી ન્યાયિક કામગીરી કરવામાં આવે.

વાંકાનેરની પ્રજા વતિ મોરબી અપડેટના માધ્યમથી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને વાંકાનેર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. ઝાલાને વિનંતી કે નગરજનોને આ ટ્રાફિકજામ માંથી મુક્તિ અપાવવા આ દબાણો હટાવવાની જરૂરિયાત છે સાથોસાથ દબાણ હટાવવામાં લારી-ગલ્લા માટે વૈકલ્પિક વ્યવસ્થા અને બજારમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા માટે પણ આયોજન કરવા વિનંતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en