ઠગ પરિવારે મોરબીમાંથી કુલ રૂ. ૩.૫૬ કરોડનું ફુલેકુ ફેરવીને સબંધીને પણ ઝપેટમાં લીધા હોવાનો ઘટસ્ફોટ

આઇપીએસ, વકીલ અને પત્રકાર બનીને સમગ્ર રાજ્યમાંથી અંદાજે ૧૦ કરોડની ઠગાઈ આચરી : છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવતો હતો આ ગોરખધંધો

મોરબી : મોરબી એલસીબીએ નોકરી અપાવવા, વિદેશ લઈ જવા તેમજ જમીન ખાતે કરાવી આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. જો કે આ ગેંગના સભ્યો એક પરિવાર જ છે. તેઓએ મોરબીમાં કુલ રૂ. ૩.૫૬ કરોડનું ફુલેકુ ફેરવીને પોતાના સબંધીને પણ ઝપટે લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના લીલાપર ગામે રહેતા જીગરભાઈ કાંતિભાઈ ધાનજા તેમજ અન્ય વ્યક્તિઓને અલગ અલગ લાલચ આપીને રૂ. ૧.૮૨ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. જો કે આ તપાસ એલસીબીને સોપાતા આ કામનો એક આરોપી મુકેશ જેઠા પટેલ પકડાઈ પણ ગયો છે. પ્રાથમિક પૂછપરછમા સામે આવ્યું કે મુકેશ તેની પત્ની, પુત્ર અને પુત્રી સાથે મળીને છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના ગોરખધંધા ચલાવતો હતો. તેણે મોરબી શહેરમાંથી કુલ રૂ. ૩.૫૬ કરોડનું ફુલેકુ ફેરવ્યું છે. જો કે આ ગોરખધંધામાં આરોપીએ તેના વેવાઈના સગામા થતા એક સંબંધીને પણ બક્ષ્યો ન હતો.

મોરબીમા આરોપીએ ઓ.એન.જી.સી.મા નોકરી આપવાના બહાને રૂ. ૧૫.૭૫ લાખ, વિદેશમાં ધંધા માટે મોકલવાના બહાને રૂ. ૪૦ લાખ, સોનાના દાગીના પહેરવા માટે લઈ જઈને રૂ. ૬.૨૫ લાખ અને સ.ત. જમીનને નામે કરાવી આપવાના બહાને રૂ. ૧.૨૦ કરોડની છેતરપીંડી આચરી હોવાનું ચોપડે નોંધાયું છે. જો કે હક્કીકતમાં મોરબીમા આરોપીને ૧૦ થી વધુ લોકોને ઠગ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસનો ભેદ ઉકેલાઈ જતા હવે આ બનાવો બહાર આવનાર છે.

આરોપીની પ્રાથમિક પૂછપરછમા બહાર આવ્યું હતું કે તે આઇપીએસ, ડીવાયએસપી, મહેસૂલખાતાના સલાહકાર, ફાયનાન્સર, વકીલ અને પત્રકાર બનીને લોકોને વિશ્વાસમા લેતો હતો. બાદમાં જુદા જુદા કામ કરાવી આપવાની લાલચ દઈને લોકોને ઠગતો હતો. જો કે આ આરોપીની રિમાન્ડમા અનેક ચોકવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en