વાંકાનેર : HSCની પરીક્ષામાં જોઈતી સપ્લીમેન્ટ્રી ન આપતા વિદ્યાર્થીઓ, વાલીઓની કલેક્ટરને આક્રોશભરી રજુઆત

વાંકાનેર : કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની સાથો સાથ વાલીઓ પણ પરીક્ષા ક્ષેમ કુશળ પુરી થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. આખા વરસની મહેનતનો નિચોડ માત્ર ત્રણ કલાકમાં સમેટવાનો હોવાથી પરિક્ષાર્થીઓની એક એક ક્ષણ કિંમતી હોય છે ત્યારે વાંકાનેરની કે.કે.શાહ હાઈસ્કૂલમાં પરિક્ષાર્થીઓની કારકિર્દી સાથે ભયંકર ચેડાં થયા હોવાના બનાવને લઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેક્ટરમાં ઉગ્ર રજૂઆત કરી છે.

કે.કે.શાહ હાઈસ્કૂલના સ્થળ સંચાલક દર્શના જાની તેમજ સુપરવાઇઝર ડાઈબેન ચૌધરીની આડોળાઈને કારણે વિદ્યાર્થીનીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

દર્શના જાની તેમજ ડાઇબેન ચૌધરીએ તા. 11 માર્ચના રોજ લેવાયેલી ધોરણ બારની પરીક્ષાના S.P.&CCના પેપરમાં પરિક્ષાર્થીઓમાં રીતસરનો ખોફ ફેલાવી દીધો હતો. પરિક્ષાર્થી બહેનોએ જ્યારે જ્યારે પૂરક ઉતરવહીની માંગણી કરી ત્યારે ત્યારે પૂરક ઉત્તરવહી આપવામાં આવી ન હતી. વધુમાં ઉતરવહીની ઇચ્છુક પરિક્ષાર્થીની મૂળ ઉત્તરવહી ચેક કરીને સમય બગાડતા દલીલો કરીને ધમકાવવામાં આવતી હતી કે છુટ્ટા છુટ્ટા અક્ષરે ન લખો, સપ્લીમેન્ટ્રીના ઝાડવા નથી ઉગતા. સુપરવાઇઝરની આવી બાલીસ હરક્તને સ્થળ સંચાલક દર્શના જાનીએ પણ સમર્થન આપતા વિદ્યાર્થીનીઓ રીતસર ડઘાઈ ગઈ હતી.

નિયમ મુજબ પરિક્ષાર્થીઓએ પરીક્ષા ફી ભરી હોય છે. આથી પરિક્ષાર્થીઓને નિયમ મુજબ પૂરક ઉત્તરવહી આપવા પરીક્ષા બોર્ડ બંધાયેલું હોય છે. અત્યાર સુધીની બોર્ડની પરીક્ષાઓમાં આવો કોઈ બનાવ સામે નથી આવ્યો કે જેમાં પૂરક ઉત્તરવહી આપવાની મનાઈ કરાઈ હોય. ઉલટાનું પરિક્ષાર્થી જ્યારે જ્યારે સપ્લીમેન્ટ્રી માંગે ત્યારે વિના વિલંબે તેમને તે પુરી પાડવામાં આવતી હોય છે. ત્યારે ડાઈબેનનું આ દોઢ ડહાપણ અને સ્થળ સંચાલકની અવળચંડાઇનો વિદ્યાર્થીનીઓ ભોગ બનતા આક્રોશીત થઈ કલેક્ટરને રજુઆત કરવા દોડી જવું પડ્યું હતું. પરિક્ષાર્થીઓ માટે અત્યારે એક એક ક્ષણ કિંમતી હોવા છતાં આ બનાવને લઈને કલેક્ટરને રજુઆત માટે મળવા જવાનો સમય ફાળવવો પડ્યો હતો અને પરીક્ષા ખંડમાં ભોગવવી પડેલી માનસિક યાતના તો અલગ.

ડાઈબેન ચૌધરી અને દર્શના જાની દ્વારા કરાયેલા ઇરાદાપૂર્વકના આ કૃત્ય અંગે ખરાઈ કરવા માટે એ દિવસના , બ્લોક નંબર 10ના CCTV ફૂટેજ જોઈને આ બન્ને કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વિદ્યાર્થીનીઓએ માંગણી કરી છે. કલેક્ટર હવે આ અંગે શુ પગલાં ભરે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en