વાંકાનેરના રાજપેલેસમાં પૂ. મોરારીબાપુની પધરામણી : પ્રસાદ ગ્રહણ કર્યો

 

૨૬ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની વાંકાનેરમાં પુનઃપધરામણી : બાપુએ દેવીપૂજક વિસ્તારમાં નવા બની રહેલા મંદિરની મુલાકાત લીધી

વાંકાનેર : કથાકાર પૂ. મોરારીબાપુએ આજે વાંકાનેરના રાજપેલેસમાં પાવન પધરામણી કરી હતી. સાથે તેઓએ રાજ પેલેસમાં પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ઉપરાંત તેઓએ દેવીપૂજક વિસ્તારમાં નવા બની રહેલા હનુમાનજીના મંદિરની મુલાકાત પણ લીધી હતી.

આજે બપોરના મોરારીબાપુ ૨૬ વર્ષ બાદ વાંકાનેરમાં પુનઃ પધાર્યા હતા. વાંકાનેર આવી સૌપ્રથમ તેઓએ વાંકાનેર રણજિત વિલાસ પેલેસ ખાતે પધરામણી કરી હતી અને રાજપરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ તેઓ વાંકાનેર નેશનલ હાઇવે પર પુલના છેડે આવેલ દેવીપૂજક વિસ્તારમાં કાંતિભાઈ રાયમલભાઈ કોંઢિયાના ઘરે પધરામણી કરેલ અને એ વિસ્તારમાં નવા બનતાં હનુમાનજીના મંદિરની મુલાકાત લઈને આશીર્વચન આપેલ આ સમયે વાંકાનેરના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતાં અને બાપુનાં આશિષ મેળવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે છવ્વીસ વર્ષ પહેલાં વાંકાનેરના આંબેડકર નગરમાં રામજી મંદિરનું ખાત મુહૂર્ત સંતશ્રી મોરારીબાપુના હસ્તે કરાયું હતું.