મોરબી : લિવેન્ટ સીરામીકમાં તાળાબંધી કરતા મજૂર આંદોલનકારીઓ

- text


23 દિવસની ભૂખ હડતાલ તેમજ રાજ્યપાલને કરેલી રજુઆત બાદ પણ નિવેડો ન આવતા કરી તાળાબંધી

મોરબી : પાછલા 23 દિવસોથી ભૂખ હડતાલ ઉપર બેસેલા મજૂર પરિવારોની ગુહાર બહેરા કાને ન અથડાતા આપેલી ચીમકી મુજબ આજે ફેકટરીના મુખ્ય ગેટ ઉપર તળાબંધી કરતા પોલીસ બંદોબસ્ત સઘન બનાવાયો છે.

મોરબીના લીલાપર ગામે આવેલા સીરામીક એકમમાં મજૂરીના હક્ક હિસ્સા મામલે આઠ મજૂરો પાછલા 23 દિવસોથી દિવસથી ભૂખ હડતાલ કરીને લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્રે સીરામીક એકમ સામે કોઈ કાર્યવાહી ન કરતા અંતે આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી હતી. આમ છતાં તેમની માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા કારખાનાને તાળબંધી કરી હતી.

મોરબીના લીલાપર ગામે રહેતા અમૃતલાલ અરજણભાઈ રાઠોડ સહિતના આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી હતી કે, લિવેન્ટ સીરામીક એકમ સામે મજૂરીના હક્ક હિસ્સાના પ્રશ્ને અમોને ન્યાય અપાવવામાં આવે. અગાઉ આ કારખાનામાં મજુરી કામ કરતી વખતે આ મજૂરોએ લઘુતમ વેતન અને મળવાપાત્ર હક્ક હિસ્સા મેળવવા માટે સરકારમાં અધિકારીઓ મારફત રજુઆત કરી હતી. ત્યાર બાદ સીરામીક એકમના માલિકોએ આ મજૂરોને ધમકાવીને મજૂરી કામમાંથી છુટા કરી દીધા હતા. આથી આ આઠેય પરિવારોની રોજીરોટી છીનવાતા કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા. આ માટે ન્યાય મેળવવા 23 દિવસોથી ભૂખ હડતાલ કરવા છતાં પણ સ્થાનિક તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ફેકટરીના ગેટને તાળાબંધી કરી હતી.

- text

આથી ફેક્ટરીનો તમામ વહીવટી બંધ કરી દેવાતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

મજૂરોની માંગણી બાબતે સીરામીક ફેકટરીના માલિક ભરતભાઈએ જણાવ્યું હતું કે, આ મજૂરો અમારે ત્યાં કામે જ આવતા ન હતા. એટલે અમારે હક્ક હિસ્સો આપવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આમ અત્યારે તો 23 દિવસની ભૂખ હડતાલ બાદ કરેલી તાળાબંધી પછી પણ કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text