મોરબીમાં મકાનની નોંધ પડાવવા માટે તલાટીએ રૂ. ૪ હજારની લાંચ માગ્યાનો ઘટસ્ફોટ

- text


લાંચ લેતા ઝડપાયેલા તલાટી સામે એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો મહેસુલી તલાટી રૂ.4 હજારની લાંચ લેતા એસીબીની છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયો હતો. આ લાંચિયા તલાટીએ અરજદાર પાસેથી નવા મકાનની તાત્કાલીક નોંધ પડાવવા મામલે રૂ 4 હજારની લાંચ માંગી હતી.એસીબીએ તલાટીને લાંચ લેતા રંગેહાથે ઝડપીને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસીબી પાસેથી આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના એક અરજદારે પાંચ વર્ષ પહેલા વજેપર વિસ્તારમાં નવું મકાન ખરીદયુ હતું.આ નવા મકાનની સરકારી તંત્રમાં નોંધ કરાવીને તેમના ખાતે ચડાવવાનું બાકી હોવાથી આ કામગીરી માટે તેમણે વજેપર વિસ્તારના તલાટીમંત્રી પ્રશાંત ભરતભાઇ શાહનો સંપર્ક સાધ્યો હતો.આ તલાટી મંત્રી મોરબી તાલુકા સેવા સદનમાં આવેલી મામલતદાર કચેરીની સીટી તલાટી ઓફિસમાં બેસે છે. અરજદારે પોતાના નવા મકાનની નોંધ પડવાનું કહેતા તલાટીએ થોડી વાર લાગશે તેવું કહ્યું હતું અને જો તાત્કાલિક નોંધ પડાવવી હોય તો રૂ.4 હજાર આપવા પડશે તેમ કહીને તલાટીએ તેમની પાસે લાંચની માગણી કરી હતી. આથી અરજદારે મોરબી એસીબીનો સંપર્ક સાધીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે મોરબી એસીબીના પી.આઈ. એમ.બી.જાની તેમજ તેમની ટીમે આજે બપોરના બાર વાગ્યાની આસપાસ મામલતદાર કચેરીની સીટી તલાટી ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. એસીબીના છટકામાં તલાટી પ્રશાંત શાહ રૂ.4 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબીએ આ લાચિયા તલાટી સામે લાંચ રૂશવત ધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના તાલુકા સેવાસદનમાં આવેલી મામલતદાર કચેરીની સીટી તલાટી ઓફિસમાં મહુસુલી તલાટી લાંચ લેતા ઝડપાતા સોપો પડી ગયો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પરક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text