મચ્છુ નદી સફાઈ અભિયાનમાં યંગ ઇન્ડિયા ગ્રુપની ભૂમિકા અંગે જાહેર સ્પષ્ટતા

- text


મોરબી : વંચિત લોકો માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની સાથે – સાથે લોકોમાં દેશભક્તિ જાગૃત કરવા હર હંમેશા કાર્યરત રહેતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના હિતમાં ગતવર્ષે મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરી કોઈ કિંમત આકી ન શકાય તેવું શ્રમદાન કર્યું હોવા છતાં કેટલાક લેભાગુઓએ તથ્યહીન આક્ષેપ કરી મચ્છુ નદી સફાઈ અભિયાનમાં યંગ ઇન્ડિયા ગ્રુપને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનું સદંતર જુઠાણું ચલાવ્યુ હતું. પરંતુ હકીકતમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સફાઈ અભિયાનમાં એક પાઈ પણ લીધી ન હોવાનું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જાહેર સ્પષ્ટતા કરી છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને મેન્ટોર દેવેનભાઈ રબારીએ તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આપ સૌ જાણો જ છો કે, મોરબીમાં કોઈ પણ તહેવાર હોય કે કુદરતી આપદા હોય કે પછી જનજાગૃતિનું કાર્ય હોય યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો હમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે અને સ્થાનિક નાગરિકો કે સરકારની કોઈપણ જાતની સહાય વગર સ્વતંત્ર રીતે નિસ્વાર્થ ભાવે લોકહિતમાં સેવા કાર્ય કરે છે ત્યારે મોરબીના અમુક લેભાગુ તત્વોએ યંગઇન્ડિયા ગ્રુપના નામનો ઉલ્લેખ કરી તથ્યહીન અહેવાલ પ્રસિદ્ધ કરી મચ્છુ નદી સફાઈ કામગીરીમાં લાખો રૂપિયા મેળવ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરી યંગ ઇન્ડિયા ગ્રુપની છબી ખરડાવાના હીન પ્રયાસો કરાયા હતા.

- text

ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ વિશે છપાયેલા અહેવાલ બાદ સમગ્ર પ્રકરણમાં દુધનું દૂધ અને પાણીનું પાણી કરવા મોરબી નગર પાલિકાના નગરસેવિકા ભાનુબેન નગવાડીયા દ્વારા નગરપાલિકા પાસેથી માહિતી અધિકારના કાયદા હેઠળ મચ્છુ નદી સફાઈ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપને કોઈ વર્ક ઓર્ડર અપાયો છે કે કેમ ? અને કેટલી રકમનું ચુકવણું કરવામાં આવ્યું તે સહિતની તમામ વિગતો માંગતા નગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે લિખિતમાં જણાવાયું છે કે યંગ ઇન્ડિયા ગ્રુપને આ કામગીરી કે અન્ય કોઈ પણ કામગીરી સબબ કોઈ વર્ક ઓર્ડર અપાયો નથી અને કઈ પણ જાતનું પેમેન્ટ પણ ચૂકવાયું નથી. આમ, માહિતી અધિકારના કાયદા હેઠળ મળેલા જવાબમા જ ગપગોળા ચલાવતા લેભાગુ તત્વોને સણસણતો જવાબ મળી જાય છે.

વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી ઉમેરે છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજદિન સુધીમાં સરકારની કોઈપણ સહાય લીધી નથી એટલે સુધી કે ગ્રુપના સભ્યો પાસેથી પણ નાણાં સ્વીકારવામાં આવતા નથી. ઉપરાંત ગ્રુપ દ્વારા કરવામાં આવતી સમાજસેવાની પ્રવૃત્તિ માટે ખર્ચ થતી રકમ જન્માષ્ટમી લોકમેળો અને નવરાત્રીના આયોજન થતી આવકમાંથી કરવામાં આવતો હોવાનું તેમને ભારપૂર્વક જણાવ્યુ હતું.

હવનમાં હાડકા નાખવા ટેવાયેલા તકવાદીઓને આડેહાથ લેતા અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સારા કાર્ય ન કરો તો વાંધો નથી પરંતુ મોરબીના હિતમાં જ્યારે લોકમાતા મચ્છુ નદીને સ્વચ્છ બનાવવા અમૂલ્ય શ્રમદાન આપવા યંગ ઇન્ડિયા ગ્રુપ અને તેમના સભ્યો તથા મોરબીની વિશાળ જનતા સ્વૈચ્છીક રીતે જોડાઈ હોય ત્યારે આવા આક્ષેપો કરતા પહેલા એકાદ કલાકનો શ્રમદાન કર્યો હોય તો જ સેવાકાર્ય શુ કહેવાય તેની સમજ ખાટ સવાદિયા તત્વોને પડી શકે તેમ જણાવ્યું હતું.

- text