મોરબીમાં ઉનાળાના પ્રારંભે પાણીનો કકળાટ : મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


ખુદ ધારાસભ્યએ રજુઆત કરી છતાં તંત્રનું રૂવાડુંય ન ફરકતા મહિલાઓ વિફરી : પાણીના પોકારો કરતા તંત્રને ખાતરી આપવી પડી : તેમ છતા પાણી પ્રશ્ન હલ ન થાય તો ઉપવાસ આદોલનની ચીમકી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા છેવાડાના લાયન્સ નગરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે. એક મહિનાથી પાણી ન આવતું હોય એ બાબતે સ્થાનિક રહીશોએ તંત્રને તથા ધારાસભ્યે તંત્રને રજુઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને આજે પાલિકા કચેરી મોરચો માડી પાણીના પોકારો કર્યા હતા. જોકે તંત્રએ પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરની મહિલાઓએ આજે પાણી પ્રશ્ને પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો.તે સમયે પાલિકા કચેરીમાં પ્રમુખ કે ચીફઓફિસર હાજર ન હોવાથી મહિલાઓએ ઉપપ્રમુખ સમક્ષ પાણી પ્રશ્ને ભોગવવી પડતી હાલકીની હૈયાવરાળ ઠાલવી હતી. મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી આવતું નથી. તેમાંય ઉનાળાના પ્રારંભે જ પાણીની પળોજણ ઉભી થતા મહિલાઓને પાણી મેળવવા માટે દુરદુર ભટકવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે આ પાણી પ્રશ્ને પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરી હતી તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રજુઆત કરતા તેમણે આ વિસ્તારના પાણી અને રોડ તથા ગટર પ્રશ્ને રજુઆત કરી હતી. તેમ છતાં પાણી પ્રશ્ન યથાવત રહ્યો હતો. જોકે કોંગ્રેસ શાસિત મોરબી પાલિકા તંત્ર ખુદ કોંગ્રેસના ધારાસભ્યને ગાંઠતું ન હોવાથી રોષ ફેલાયો હતો. પાલિકાના ઉપપ્રમુખએ રજુઆત સાંભળીને તે પાણી વીતરણ કરતા કર્મચારી સાથે વાત કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં પણ આ પાણી પ્રશ્નનો નિકાલ ન આવે તો મહિલાઓએ ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

- text

- text