મોરબીના સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારનો જબરદસ્ત ઝટકો

હવે રાજસ્થાનમાંથી સિરામિક ટાઇલ્સ બનાવવા માટે અત્યંત જરૂરી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ નહિ મળે : પ્રતિબંધ લદાયો

રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ પડી ભાંગશે : નિલેશ જેતપરિયા

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેમ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ગેઝિફાયર ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ આજે રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગ માટે અત્યંત જરૂરી એવી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ રાજસ્થાન બહાર નિકાસ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેતા મોરબી સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાની દહેશત ઉભી થઇ છે. જો કે સિરામિક ઉદ્યોગ માટે આવી પડેલી આ આફતના ઉકેલ માટે સાંજે સિરામિક એસોસિએશનની તાકીદની મિટિંગ પણ યોજવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ રાજસ્થાન સરકારે સ્થાનિક લઘુ ઉદ્યોગોના હિતમાં સતાવાર રીતે રાજસ્થાનની ગીટી, ચિપ્સ અને ગ્રીન્સ મટીરીયલ રાજસ્થાન બહાર વેચાણ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદયો છે અને આ પ્રતિબંધાત્મક હુકમની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર પડી છે કારણ કે વિટરીફાઇડ ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટમાં રાજસ્થાનની ગીટી, ચિપ્સ અને ગ્રીન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને જો રો મટીરીયલ જ મળતું બંધ થાય તો સિરામિક ઉદ્યોગ પડી ભાંગે તે સ્વાભાવિક વાત છે.

રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગ માટે અત્યંત જરૂરી રો મટીરીયલ એવી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ ઉપર પ્રતિબંધ લાદવાને કારણે મોરબી સિરામિક ઉદ્યોગને શુ અસર થશે તે અંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે હાલમાં મોરબીના તમામ વિટરીફાઇડ સિરામિક એકમોને રાજસ્થાનના રો માટીરીયલની જરૂરત પડે છે રાજસ્થાનના મટીરીયલ વગર ઉદ્યોગ ચાલી જ ન શકે તેમ જણાવી તેઓ કહે છે કે આ પ્રતિબંધથી સિરામિક ઉદ્યોગ ભાંગી પડે.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે, આ પ્રકારનો પ્રતિબંધ ભૂતકાળમાં ક્યારેય આવ્યો નથી અને આ ગંભીર બાબતને લઈ આજે સાંજે મોરબી સિરામિક એસોશિએશનની તાકીદની મિટિંગ બોલવાઈ છે જેમાં ગુજરાત સરકારને આ પ્રતિબંધથી સર્જાનાર સ્થિતિથી વાકેફ કરી જરૂર પડ્યે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા પણ રણનીતિ ઘડવામાં આવશે.

સિરામિક ઉદ્યોગ માટે રાજસ્થાન સરકારનો આ નિર્ણય મરણતોલ ફટકા સમાન હોવાનું જણાવી મોરબી સિરામિક એસોશિએશનના પૂર્વ પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી આવતી ગીટી ડબલચાર્જ ટાઇલ્સ યુનિટો માટે અત્યંત જરૂરી મટીરીયલ છે, જો એ મટીરીયલ ન મળે તો આપણો ઉદ્યોગ ચાલી ન શકે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે રાજસ્થાનથી આવતા મટિરિયલને પ્યુરીફાઈ કરવા માટેના પણ અનેક એકમો મોરબીમાં આવેલા છે અને રાજસ્થાની મટિરિયલને રિફાઇન કરી સિરામિક ઉદ્યોગ ઇન્ટરનેશનલ માર્કેટમાં કમાણી કરી રહ્યું છે ત્યારે રાજસ્થાન સરકારના આ આદેશ પાછો ન ખેંચાય તો મોરબીના સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવવુ મુશ્કેલ બનશે.

જો કે, રાજસ્થાન સરકારના આ નિર્ણય પાછળ ભાજપ કોંગ્રેસના રાજકારણને પણ જોવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તો આ પ્રતિબંધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આફત ઉતરી આવી હોવાનું મનાય રહ્યું છે.