મોરબીમાં કોલગેસ પ્લાન્ટ ધરાવતા સિરામિક એકમોને સોમવારથી ક્લોઝર નોટિસ ફટકારશે

૫૦૦થી વધુ સિરામિક એકમો થશે બંધ : ગેસીફાયરના સાધનો ધરાવતા તમામ એકમો બંધ કરાવાશે : જીપીસીબી

સુપ્રીમ કોર્ટમાં સ્ટે મેળવતા પહેલા એનજીટીના આદેશનું પાલન કરાશે : સિરામિક એસોશિએશન

મોરબી : મોરબીમાં કોલગેસ પ્લાન્ટ ધરાવતા તમામ સીરામીક એકમો બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આપેલ આદેશનો કડક અમલ કરાવવા આગામી સોમવારથી તમામ સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી કાપડીયાએ જાહેર કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક હબ મોરબીમાં 700થી વધુ ફેકટરીઓ આવેલ છે જે પૈકી 500થી વધુ ફેકટરીઓ પર્યાવરણ માટે ખતરારૂપ કોલગેસ પ્લાન્ટનો વપરાશ કરતી હોય એ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ થઈ હતી, આ ગંભીર ફરિયાદ મામલે એનજીટી દ્વારા સર્વે અને પર્યાવરણને થયેલા નુકશનના પુરાવા જોઈ ચોકી ઉઠ્યું હતું અને બે દિવસ પૂર્વે મોરબી સીરામીક એકમોમાં વપરાતા તમામ ગેસીફાયર બંધ કરવા કડક આદેશ કરી આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી હતી.

બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશની સતાવાર નકલ મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મળી જતા આગામી તા.11ને સોમવારથી તમામ સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરવા ક્લોઝર નોટિસો ફટકારવામાં આવનાર હોવાનું જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી કાપડીયાએ જણાવ્યું હતું.

ક્લોઝર નોટિસ મામલે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે એનજીટી ના આદેશનું પાલન કરવામાં આવશે અને અમોને ચુકાદાની નકલ મળતા સુપ્રિમકોર્ટમાં હુકમ સામે સ્ટે મેળવવાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે મોરબી સીરામીક એકમોમાં કોલગેસ પ્લાન્ટના વપરાશને કારણે પર્યાવરણ અને માનવીને પારાવાર નુકશાન થતું હોવાનું જાણવા છતાં પણ સીરામીક ઉદ્યોગપતિઓ એનજીટીના કડક આદેશ સામે કાનૂની જંગ ખેલી કોઈપણ ભોગે સસ્તા ઇંધણ એવા કોલગેસનો ઉપયોગ કરવા મથામણ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રદુષણ જીતે છે કે પર્યાવરણ.