ઈશ્વરના અંધેરને ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય થકી અજવાળામાં બદલતા મોરબીના નિલાબેન

પાંચ વર્ષ પૂર્વે કુદરતે પતિ છીનવી લીધો છતાં નાસી પાસ થયા વગર વ્યવસાય પણ સાંભળ્યો અને પુત્ર – પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપ્યું

પુત્રને ભણાવી ગણાવી ગૂગલમાં મોભાદાર નોકરી અપાવી : સૌરાષ્ટ્રમાં મહિલા સંચાલિત ઇલેક્ટ્રોનિક બિઝનેસને પગલે પાંચ – પાંચ એવોર્ડ પણ મળ્યા

મોરબી : જીવનની નાવ મધદરિયે પહોંચે અને અચાનક આંધી ઝંઝાવાત સર્જાયા બાદ કુદરત નાવિકની જ જિંદગી છીનવે લે તો નાવમાં સવાર લોકોની શુ હાલત થાય, આવી કલ્પના માત્રથી હૈયું ફફડી ઉઠે… મોરબીના નિલાબેન ટોલીયા સાથે પણ કંઈક આવું જ બન્યું તેજસ્વી પુત્ર – પુત્રી અને પતિ સાથે આનંદ કિલ્લોલથી જિંદગી જીવતા નિલાબેનની કુદરતે આકરી કસોટી કરી અને પાંચ વર્ષ પૂર્વે અચાનક જ ઈશ્વરે નિલાબેનના પતિ છીનવી લીધા… અચાનક જીવનમાં અંધકાર આવી પડવા છતાં અડગ વિશ્વાસ સાથે નિલાબેને પતિનો ઇલેક્ટ્રોનિક્સ અને હોમએપ્લાયન્સીસનો બિઝનેસ સુપેરે સાંભળી લઈ પુત્રને ભણાવી ગણાવી ગૂગલમાં જોબ અપાવી તો પુત્રીને પણ એમ ફાર્મ કરાવી પગભર કરી આજે સમાજની ત્રણ દીકરીઓને રોજગારી આપી ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરી વટભેર અન્યોની જિંદગીમાં ઉજાસ પાથરી રહયા છે.

મોરબીના લખધિરવાસમાં રહેતા અને બી.કોમ સુધી ભણેલા નિલાબેન અનિલભાઈ ટોલિયા ઉ.વ.55 નામની મહિલાએ કપરો સંઘર્ષ અને કોઠાસૂઝ તેમજ હિંમત તથા ધૈર્યથી એક સફળ બિઝનેશ વુમન તરીકે સિદ્ધિ મેળવી છે.તેમની આ સિદ્ધિ તેમના શબ્દોમાં સાંભળીએ તો તેમના પતિની મોરબીની મેઈન બજારમાં લાઈટ હાઉસ નામની ઇલેકટ્રોનિક હોમએપ્લાન્સની મોટી દુકાન આવેલી છે અને ઇલેકટ્રોનિકની વસ્તુઓને તેમના પતિ જ વેપાર કરતા હતા તેઓ તે વખતે માત્ર ગૃહિણી હતા.પરંતુ પાંચ વર્ષ પહેલાં તેમના પતિનું અચાનક એટેકથી અવસાન થતાં ઘર તથા દુકાને અને બે સંતાનોને ભણવવા સહિત સઘળી જવાબદારી તેમના ઉપર આવી હતી જોકે પરિચિતોએ તેમને એવું પણ કહ્યું હતું કે તેઓ મહિલા હોય વેપારમાં તેમને ગતાગમ ન પડે તેમ હોય દુકાન બંધ કરી દેવાનું કહ્યું હતું .પરંતુ આ બધાની બોલતી બંધ કરવા નારી શક્તિ ધારે તો શું કરી શકે તે કરી બતાવવા માટે મનમાં ગાંઠ વાળી લઈને ઘર દુકાન તથા સંતાનોને હાઈ એજ્યુકેશન આપવા સહિતનો તમામ મોરચો તેમણે એકલા હાથે સાંભળી લીધો હતો.

જોકે પતિ હયાત હતા ત્યારે તેઓ ક્યારેક ક્યારેક દુકાને આવીને પતિને મદદરૂપ થતા હતા.પણ તેમને ખરીદી, વેચાણ સહિતના વહીવટનું જ્ઞાન ન હતું.આ છતાં પણ હિંમતભેર સંઘર્ષ કરીને દુકાનનો ધીમેધીમે વેપાર શરૂ કર્યોને અત્યારે એમના કાબેલિદાદ સંઘર્ષથી તેમની ઇલેકટ્રોનિકની દુકાન અગ્રીમ હરોળમાં આવીને મોટા પાયે વેપાર કરી રહી છે.જોકે પતિના નિધન બાદ અકસ્માતમાં એક હાથને ઇજા પહોંચતા ત્રણ વર્ષ સુધી એક હાથે જ કામ કરવું પડ્યું હતું.જોકે વેપાર ધંધા વિકાસની સાથે તેમના બે સંતાનોને પુનામાં હાઇ એજ્યુકેશન અપાવી રહ્યા છે. જેમાં તેમની 25 વર્ષની દીકરી એમ.ફામ કરી રહી છે અને 24 વર્ષનો દીકરો એમ.ઇ.નો અભ્યાસ કરીને ઇન્ફોસીસ અને ગૂગલમાં જૉબ કરે છે.આ મહિલાએ આપબળે ઇલેકટ્રોનિકની આઈટમોમાં માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં કાઠું કાઢતા તેમને સફળ બિઝનેસ વુમન તરીકે પાંચ એવોડ મળ્યા છે.

બિઝનેસ વુમન તરીકે અનોખી સિદ્ધિ મેળવી આ પુરુષોના ઇજારાશાહી વાળા ઇલોકટ્રોનિકના ધંધામાં સ્ત્રીઓ આગળ વધે તે માટે તેમની દુકાનમાં માત્ર ત્રણ યુવતીઓને જ નોકરીએ રાખી માતા જેવી હૂંફ આપે છે.તેઓ એટલું છે કહે છે કે સ્ત્રીઓ માટે કોઈ કામ અઘરું નથી.જો મનમાં ગાંઠ વાળીને કૂદી પડે તો પ્રગતિ કદમ ચુમશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en