મોરબીમાં ફ્લીપકાર્ટની ઓફિસમાં ધાડ કરનાર ચાર લૂંટારુઓ જેલહવાલે

 

પોલીસે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ માગ્યા પરંતુ તમામ મુદામાલ રિકવર થઈ ગયો હોવાથી કોર્ટ જેલહવાલે કર્યા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઓનલાઈન શોપિંગ ફિલિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી કર્મચારીને માર મારી રૂ.3.93 લાખની લૂંટ ચલાવ્યાના ગુનામાં પોલીસે ચાર લૂંટારુઓને ગણતરીની કલાકોમાં ઝડપીને આજે 4 દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જોકે લૂંટનો તમામ મુદામાલ રિકવર થઈ ગયો હોવાથી કોર્ટ ચારેય આરોપીને જેલહવાલે કર્યા હતા.

મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બરમાં આવેલ ઓન લાઇન શોપિંગની ફિલિપકાર્ટની ઓફિસમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ચાર બુકનીધારી લૂંટારુઓ ત્રાટકીને ઓફિસના કર્મચારીને એરગન તથા છરીની અણીએ બંધક બનાવી ઢોર માર મારી ઓફિસના ટેબલમાં રહેલી રૂ.3.93 લાખની રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.આ બનાવને પગલે એલસીબી, એસઓજી, બી.ડિવિઝન સહિતની પોલીસે નાકાબંધી કરતા લૂંટ ચલાવ્યાના દોઢ કલાકમાં જ માળીયા ફાટક પાસે નોનવેજની મિજબાની માણવા બેઠેલા ચાર લૂંટારુઓ કલ્પેશ નટવરભાઈ મકવાણા, વિશાલ ચંદુભાઈ મૂછડીયા, રમેશ જીવરાજભાઈ મકવાણા, લલિત આમરશીભાઈ મકવાણા ઝડપાય ગયા હતા, પોલીસે ચારેય આરોપી પાસેથી તમામ લૂંટનો મુદામાલ કબજે કરી આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે સહિતની નક્કર વિગતો મેળવવા આજે ચારેયને 4 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ કોર્ટે લૂંટનો તમામ મુદામાલ રિકવર થઈ ગયો હોવાથી ચારેય આરોપીને જેલહવાલે કર્યા હતા.