મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ રસપ્રદ

- text


રીપૂપાલ નામના રાજવીના તપથી મહાદેવ પ્રસન્ન થયા બાદ નાની દેરી બનાવી હતી

મોરબીના મહારાજા લખધીરજીએ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવ્યું હતું

મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ રસપ્રદ છે એક લોકવાયકા પ્રમાણે આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું. ત્યારબાદ રંભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરતા ‘રંભયેશ્વર’નામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી રિપુપાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના આદેશથી મહાદેવનું તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા.અને એમણે આ જગ્યાએ વર્ષો પહેલા મહાદેવજીની નાની દેરી બનાવી હતી.

ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાલેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષોં બાદ ‘રિપુફાડેશ્વર’ શબ્દનું અપભ્રંશ થતાં આ જગ્યા હવે “રફાળેશ્વર” તરીકે જાણીતી બની છે.મોરબીના તત્કાલીન મહારાજાએવર્ષ 1946માં રૂ.1.10 લાખના ખર્ચે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું.
આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા છે.તેથી શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીં લોકમેળો ભરવાની સાથે મંદિરની બાજુમાં વિશાળ કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી પિતૃતર્પણ કરે છે. શ્રાવણ મહિનાની અમાસે બે દિવસનો મેળો ભરાય છે.શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે.મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી મહાદેવના દર્શન કરી ભાગનો પ્રસાદ ગ્રહણ કરે છે.

- text

- text