ફિલ્મ રિવ્યુ : લૂકા છુપ્પી : એ થાપ્પો…. થાપ્પો આપણા સમાજનો!

- text


ફિલ્મ ક્યારેક સમાજના પ્રતિબિંબ જેવી હોય છે, તો ક્યારેક સમાજ સામેનો અરીસો પણ! સમાજની માનસિકતા ફિલ્મો રજૂ પણ કરે તો ક્યારેક બદલાવવામાં ચાવીરૂપ ભૂમિકા પણ ભજવે. સમાજ વ્યવસ્થાના મૂળમાં જ પરિવર્તન રહેલું હોય છે, સમાજ સમયે સમયે બદલાતો રહે છે કારણ કે પેઢી દર પેઢી સમાજ વ્યવસ્થા વિશે કેટલીક નવી ક્રાંતિકારી બાબતો આવવાની જ. લિવ-ઇન રિલેશનશિપ વિશે બનેલી ફિલ્મ ‘લૂકા છુપ્પી’ આનું જ એક ઉદાહરણ છે.

સામાન્ય રીતે, લગ્ન વ્યવસ્થા એ પરાપૂર્વથી ચાલતી આવતી સમાજવ્યવસ્થા છે. પહેલાંના સમયમાં વડીલો પોતાનાં સંતાનોના નાનપણમાં જ લગ્ન કરી નક્કી કરી નાખતાં, એ ધીમે ધીમે બદલાતું રહ્યું અને એ હવે વ્યક્તિ સુધી સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયું છે. આજની યુવાપેઢી લગ્નજીવન અને તેની ગંભીરતા વિશે સજાગ પણ છે અને બેબાક રીતે પોતાનો મત રજૂ પણ કરે છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરમાં મોટા અક્ષરોમાં લિવઇન રિલેશનશિપને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે, એવું તો આપણને ખબર પડે પણ આ વિષયને જે રીતે હળવે હળવે ફિલ્મમાં ઉઘાડવામાં આવ્યો છે, એ ઘણાં બધાને પચે એવો નથી. ફિલ્મમાં એકદમ લાઇટ ટોનમાં આ વિષયની માવજત થઈ છે, ડાયરેક્ટરને જે કહેવું છે, એ ફિલ્મની પહેલી જ મિનિટથી તમે સમજી શકો. અનેક રિવ્યુકારો આ શૈલીને નબળી કહે છે, પણ જ્યારે તમે આખી ફિલ્મને ટ્રેલર પરથી કળી લીધી હોય, ત્યારે ફિલ્મને પૂર્વગ્રહ વગર જોવી એ થોડું અઘરું કામ છે!

વાત છે, એક નાના શહેર મથુરાની. ત્યાંની લોકલ ન્યૂઝચેનલનો રિપોર્ટર ગુડડુ ખૂબ જાણીતો ચહેરો છે. એ પોતાની અલગ સ્ટાઈલને કારણે ફેમસ થયો છે. સમાજના કરન્ટ અફેર્સ પર રિપોર્ટિંગ કરે છે. એમની ન્યૂઝચેનલના પાર્ટનર તરીકે લોકલ રાજકારણી અને સંસ્કૃતિ રક્ષક મંચ પાર્ટીના સ્થાપકનેતા વિષ્ણુ ત્રિવેદી હોય છે. જેને ચુંટણી આવે એટલે લોકોમાં પ્રખ્યાત થવાની ટેવ છે. આ ત્રિવેદીજીની ખૂબસૂરત દીકરી રશ્મિ, એના નામની જેમ સૂર્યના કિરણ જેવી આશાવાદી છે. તેણી ફોરેન ભણી છે, ત્યાંથી ભારત આવીને દિલ્હીની ન્યૂઝ ચેનલમાં કામ કરવા ઈચ્છે છે. શરૂઆતના તબક્કે મથુરાની ન્યૂઝચેનલમાં કામ કરે છે. અહીં ગુડડુ સાથે રિપોર્ટિંગ કરે છે.

જે મુદ્દા પર બન્નેને રિપોર્ટિંગ કરવાનું હોય છે, એ છે લિવઇન રિલેશનશિપ. બેય હજુ થોડાં અપરિપક્વ મત ધરાવે છે, આ મુદ્દા પર. જે મુદ્દા પર રિપોર્ટિંગ કરે છે. એ જ મુદ્દા પર પોતાનાં જીવનમાં પણ અસર અનુભવે છે. બંન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે અને લગ્ન પહેલાં લિવઇનમાં રહેવા રશ્મિ શરત મૂકે છે. (મથુરાની મોર્ડન ગર્લ છે!) પ્રેમને લગ્નનું બંધન સન્માન આપે તો એવા બંધનમાં બંધાઈ જવું યોગ્ય છે એવું કહેતો ગુડડુ લગ્નનો પ્રસ્તાવ છોડી લિવઇન માટે તૈયાર થાય છે અને પછી એક પછી એક ચિત્રવિચિત્ર કટાક્ષથી ભરપૂર ઘટનાઓ બનતી જ રહે છે. આપણે હળવા સ્મિત સાથે સમજ્યા કરીએ છીએ.

- text

ગુડડુના રોલમાં કાર્તિક આર્યન અને રશ્મિના રોલમાં ક્રિતી સેનન ફ્રેશ લાગે છે. ઇન્સ્ટગ્રામ પર યુવા હાર્ટથ્રોબ એવો કાર્તિક ફિલ્મમાં એની ઈમેજ મુજબ મીઠડો લાગે છે. ઓળાયેલાં વાળ કરતાં વિખરાયેલાં વાળમાં વધુ વખત આવે છે. બરેલી કી બર્ફીમાં યાદગાર રોલ કરનાર ક્રિતી અહીં ખૂબ કન્વીસિંગ લાગે છે. જો કાર્તિક ફિલ્મમાં મથુરાનો પેંડો છે, તો ક્રિતી મથુરાની મિસરી છે. બંને નાના શહેરમાં રહીને પણ ગ્લેમરસ લાઈફ જીવે છે. ક્રિતીના કોસ્ચ્યુમ્સ પર ખૂબ ધ્યાન અપાયું છે. અનેક તબક્કે એની મનોસ્થિતિ મુજબના રંગો તેણે પહેર્યા છે. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ ખૂબ મોટી અને ટેલેન્ટેડ છે. અનેક અભિનેતા હોવાને કારણે દરેકનો રોલ થોડોક ઓછો હોય એવું લાગ્યા કરે છે. દમદાર અભિનેતા પંકજ ત્રિપાઠીને થોડો અન્યાય કર્યો હોય એવું લાગે છે. તેમછતાં તેમના ચહેરાના હાવભાવ અને ફ્લોલેસ ડાયલોગ્સ કાબિલે દાદ. એમના કોસ્ચ્યુમ્સ તદ્દન વાહિયાત. જે પ્રકારનો એમનો રોલ છે એ માટે વાપર્યા હશે પણ પંકજ જેવા અભિનેતાને બાહ્ય સ્વરૂપની ક્યાં જરૂર હોય!? અપારશક્તિ ખુરાના ગુડડુના મિત્ર અબ્બાસના રોલમાં છે. મિત્ર તરીકે ખૂબ જ સહજ છે. એમનો રોલ પણ સારો છે. નેતા તરીકે વિનય પાઠકે પણ સારું કામ કર્યું છે. ગુડડુના માતા શકુન્તલા શુકલાના રોલમાં અલ્કા અમીનનો રોલ ખૂબ સરસ લખાયો છે. પોતાના દીકરાની પત્નીને રસોઈ નથી આવડતી, એટલે એ સાસુ તરીકે ટોણાં મારવાને બદલે, તેણીને વર્કિંગ વુમન તરીકે જોવા પ્રોત્સાહન આપે છે. સાસુ તરીકે પોતાના વિચારોથી એકથી વધુ સીન્સમાં દિલ જીતી લે છે.

ફિલ્મમાં કટાક્ષ ભરપૂર છે. ઇંગ્લિશ વીંગ્લીશ, તેવર અને હિન્દી મીડીયમ જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર લક્ષ્મણ ઉટેકર અહીં ડાયરેકટર તરીકે છે. એમણે ચૂંટણી અને નેતાઓ પર કટાક્ષ કર્યો છે. સમાજના લોકોની કહેવાતી આધુનિકતા પર કટાક્ષ કર્યો છે. પોતાની સ્થિતિ જે હોય તે, પોતે ગમે તે કરે અન્યએ આમ ન કરવું જોઈએ એવા ઘણા સીનમાં અનેક લોકોને ચીતર્યા છે. કોઈની અંગત લાઈફમાં ડોકિયું કરવાની ટેવ બારીએથી બીજાના ઘરમાં ઝાંકતી પડોશન દ્વારા બતાવી છે, તો સંસ્કૃતિ રક્ષણના નામે પ્રેમીઓ સાથે થતો અમાનવીય વ્યવહાર પણ અહીં કટાક્ષનો મુદ્દો બન્યો છે. ધર્મને આધારે લોકો વિશે માન્યતા બાંધવી, પરિસ્થિતિ જોઈને રંગ બદલવો, પોતાનાં લગ્ન ન થવાના લીધે બીજા વિશે શંકાશીલ કે નકારાત્મક બની જવું, દ્રાક્ષ ખાટીવાળી મનુષ્યવૃત્તિ ફિલ્મમાં ડાયરેક્ટરે વણી લીધી છે. એક સીનમાં નાના બાળકના ટીશર્ટ પર આવતું ‘Raise Voice, Make Noise’ ક્રિએટિવ કટાક્ષની ચરમસીમાએ ફિલ્મને લઇ જાય છે.

ફિલ્મમાં એક પણ ગીત નવું નથી, બધા જ જૂના કે થોડાં સમય પહેલા આવેલા ગીતોના રિમિક્સ છે. કોકા કોલા ગીત એન્ડ ક્રેડિટમાં છે. ‘સજન ઘર મૈં ચલી’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ જેવા ગીતો ફિલ્મ સિચ્યુએશન મુજબ ફિટ કરાયા છે. કેટલીકવાર આવતું લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂંચે છે. સ્ત્રી અને હિન્દી મીડીયમના સર્જકોએ ફિલ્મ બનાવી છે, એવું પોસ્ટર અને સ્ટાર્ટીંગ ક્રેડિટ્સમાં આવે છે, પણ મ્યુઝિકમાં એવું લાગતું નથી. ફિલ્મમાં નાના શહેરની વાર્તા છે, એવું એસ્ટાબ્લીશમેન્ટ થતું નથી. વ્રજની ફિલ્મમાં વ્રજની ભાષાનો ટોન મિસિંગ છે. એક ફિલ્મની રીતે જોઈએ એ તો ઘણા વીકપોઇન્ટ પણ છે. લવસ્ટોરીથી શરૂ થતી ફિલ્મ લાઇટ કૉમેડી, ફેમિલી ડ્રામા અને સોશ્યલ ઇસ્યુ વચ્ચે ક્યાંક અટવાઈ છે, તો પણ વિષયની ટ્રીટમેન્ટ વખોડવા જેવી નથી. આમેય ક્રિએટિવિટી થોડીક તો હટકે હોવાની જ! એ જ તો એનું મુખ્ય લક્ષણ છે.

જોવાય કે નહીં?
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન પાછળ યુવાપેઢી ક્રેઝી છે, એ તો જોશે જ. જે લોકો લિવઇન રિલેશનશિપ વિશે પોતાનો ચોક્કસ મત ધરાવે છે, એમણે ખાસ જોવી જોઈએ. સોશ્યલ ઇસ્યુ પરની ફિલ્મો ગમતી હોય, તો આ ફિલ્મ નિરાશ તો નહીં જ કરે. ન જોવાથી કંઈ ગુમાવશો તો નહીં જ, પણ જોશો એટલે કૈંક તો મેળવશો જ.

ફિલ્મના શરૂઆતના એક સીનમાં, પ્રેમમાં પડ્યા પછી, હિરો પોતાની બાઇક સામાન્ય કરતાં થોડી વધુ સ્પીડે ચલાવે છે, સ્પીડબ્રેકર આવે તો છે, પણ એને ગણકાર્યા વગર થોડું ઊછળીને પણ પોતાની મંઝિલ તરફ ગતિ કરતો રહે છે. કેવું અર્થપૂર્ણ છે? નિરાંતે વિચારજો, ઘણાં અર્થો મળશે.

રેટિંગ : 7.00/10.00

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text