માળીયા : માવા અને બિસ્કીટના પેકેટ ન આપતા બે શખ્સોએ દુકાન સળગાવી

- text


વેપારીએ વસ્તુઓ આપવાનો ઇન્કાર કરતા દારૂના નશામાં ચકચૂર બે શખ્સોએ પેટ્રોલ છાંટી દુકાનમાં આગ ચાંપી દીધી : હોલસેલની દુકાનમા આગ લાગતા રૂ. ૧ લાખનું નુકશાન

મોરબી : માળિયામાં આવેલી હોલસેલની દુકાનને ગતરાત્રે બે શખ્સોએ સળગાવી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે દારૂના નશામાં ધૂત આ બંને શખ્સોએ માંગેલા માવા અને બિસ્કીટના પેકેટ આપવાની વેપારીએ દુકાન બંધ થઈ ગઈ હોવાના કારણે ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ સાથે લાવેલા પ્લાસ્ટિકની બરણી ભરેલા પેટ્રોલથી દુકાનમાં આગ ચાંપી દીધી હતી.

- text

માળિયાના જૂના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા અને માળીયાના વાઘડિયા જાપા પાસે પોસ્ટ ઓફિસ સામે આવેલી કે.જી.એફ.નામની હોલસેલ ચીજ વસ્તુઓની દુકાન ધરાવતા યુસુફભાઈ જુસબભાઈ જેડાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કે ગઈકાલે રાત્રે પોણાબાર વાગ્યાના સમયે તેઓ તથા ફિરોજભાઈ તેમની દુકાન બંધ કરી હોલસેલની ચીજવસ્તુઓ મોકલતા હતા.તે સમયે આતમ ઉંમર જેડા તથા મોહિસીન નામના બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં મોટર સાયકલ પર તેમની દુકાને આવ્યા હતા અને વેપારીને માવા તથા બિસ્કીટના પેકેટ આપવાનું કહ્યું હતું. પરંતુ વેપારીએ દુકાન બંધ થઈ ગઈ હોવાથી આ ચીજ વસ્તુઓ આપવાની ના પાડી હતી તેથી દારૂના નશામાં ધૂત આ બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.અને સાથે લાવેલ પ્લાસ્ટિકની બરણીમાં ભરેલ પેટ્રોલ તેમની દુકાન પર છાટીને દીવાસળી ચાંપી દીધી હતી. તેથી દુકાનમાં રહેલા ટેબલ કાઉન્ટર તથા ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

દુકાન સળગાવીને બન્ને શખ્સો નાસી છૂટ્યા હતા.આ બનાવ બાદ આજે વેપારીએ તેમની દુકાન સળગાવીને રૂ.૧લાખનું નુકશાન કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે માળિયાના પી.એસ.આઈ. જે.ડી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

- text