આપણું મોરબી : નિરક્ષર 300 ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપતા કોલેજના છાત્રો

ગરીબ બાળકોને શિક્ષણ આપવાની સાથે નેત્રહીન સંસ્થા, વૃદ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલયમાં કરાતી વિવિધ સેવાપ્રવૃત્તિ

મોરબી : મોટાભાગના ઉચ્ચશિક્ષણ મેળવતા વિધાર્થીઓ પોતાના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે વધુ ધ્યાન આપે છે.ખરેખર તો વિદ્યાજ્ઞાન બીજાને આપવાથી આપોઆપ વધી જાય છે.શિક્ષણ મેળવતા મેળવતા નિરક્ષરોને વિદ્યાદાન આપવું એ જ શિક્ષણનો સાચો ધ્યેય છે. આ વાત ને મોરબીના ઇજનેરી શિક્ષણનું જ્ઞાન મેળવતા વિધાર્થીઓએ સાર્થક કરીને ગરીબ બાળકોને શિક્ષણનું પ્રદાન કરી રહ્યા છે.

મોરબીની એલ.ઇ.કોલેજમાં ઇજનેરી શિક્ષણ મેળવતા વિધાર્થીઓ શિક્ષણ મેળવવાની સાથે ફુરસદના સમયે મિત્રો સાથે ટોળ ટપ્પા કરવાને બદલે સમાજ ઉપયોગી સેવાપ્રવૃત્તિ કરે છે.9 માસ પહેલા સામાજિક કર્યો કરવા માટે ઘુવીત રાખોલિયા વિરલ ભડાલીયા,હાર્દિક ગોસાઈ,સહિતના વિધાર્થીઓએ ટીમ વિઝન બનાવી હતી આ ટીમમાં આત્યંરે વિવિધ સેવાપ્રવૃત્તિ કરવા માટે આશરે 50 જેટલા ઇજનેરી છાત્રો સેવા આપી રહ્યા છે.જો કે આ છાત્રો પોતે શિક્ષણ મેળવતા મેળવતા નિરક્ષર ગરીબ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.જેમાં શનિ રવિની રજામાં મોરબી નજીક આવેલા જુના-નવા સાદુંળકા અને લક્ષમીનગર સહિતના ગામ પાસે સીરામીક ઝોન નજીક રહેતા શિક્ષણથી વંચિત વરીબ બાળકોને વિધાદાન આપી રહ્યા છે.એ પણ લેપટોપ સહિતની આધુનિક ટેકનોલોજીથી આ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યાં છે.આ ઉપરાંત અન્ય સેવા પ્રવૃત્તિ પણ કરે છે જેમાં મોરબીના લક્ષમીનગર આવેલ નેત્રહીન સંસ્થાની બહેનોને સાડી તથા હોસ્ટેલમાં રહેલા નકામા ગાદલા સહિતની ચીજવસ્તુઓ આપીને પ્રેમપૂર્વક જમાડે પણ છે.તેમજ વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કપડાં, ઓશિકા સહિતની ચીજવસ્તુઓ આપે છે.ત્યારે એલ.ઇ.કોલેજના આ વિધાર્થીઓનો સેવાયજ્ઞ અન્ય છાત્રો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.