હવે બિલ, ઇનવોઇસમાં પણ પાકિસ્તાન મુર્દાબાદ : સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો આક્રોશ

મોરબી શ્રીજી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે અનોખી દેશદાઝ બતાવી તમામ સ્ટેશનરીમાં પાકિસ્તાન મુર્દાબાદ સ્લોગન છપાવ્યા

મોરબી : મોરબીની વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પુલવામાંના બર્બરતાપૂર્ણ હુમલા બાદ સમગ્ર ભારતવર્ષમાં સૌ પ્રથમ પહેલ કરી શહીદ પરિવાર માટે કરોડો રૂપિયાનું ફંડ સ્વૈચ્છીક રીતે એકત્રિત કરી સરાહનીય કાર્ય કર્યું છે ત્યારે અત્રેની શ્રીજી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે તો આક્રોશરૂપી દેશદાઝ વ્યક્ત કરી પોતાની બિલ, ઇનવોઇસ સહિતની સ્ટેશનરી ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન છપાવી નાખ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં સીઆરપીએફના કાફલા ઉપર ફિદાયીન હુમલામાં એક સાથે ૪૪-૪૪ જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પળવારનો પણ વિલંબ કર્યા વગર શહીદ પરિવાર કલ્યાણ માટે ટહેલ કરતા જ ઘડિયાળના કાંટા કરતા પણ ઝડપભેર દાન નો ધોધ વછૂટ્યો હતો અને હાલમાં પણ ઇન્ડસ્ટ્રીઝના માલિકથી લઈ શ્રમિક સુધીના લોકો અવિરત પણે દાનની સરવાણી વહાવી રહ્યા હોય આંકડો કરોડોને વટાવી ચુક્યો છે.

બીજી તરફ દાનની સરવાણી વહાવવાની પહેલ કરનાર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં બીજી એક પણ પહેલ થઈ છે જેમાં મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર દેશમાં પહેલી વખત કહી શકાય તેમ પોતાના તમામ બિલ, ઇનવોઇસ સહિતની સ્ટેશનરી ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન છપાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જો કે, એક હકીકત તો સ્પષ્ટ છે કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ કુદરતી વિપદા હોય કે માનવ સર્જિત આફત હોય કે પછી કોઈ પણ મુશ્કેલીની ઘડી હોય માનવ કલ્યાણ માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હંમેશા ખડેપગે અને અગ્રસર રહે છે આમ, છતાં કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલી દૂર કરવાની પહેલ કરવામાં પાછીપાની કરી રહી હોવાની વાત કહેવી અસ્થાને નથી !!