સોશિયલ મીડિયામાં એલફેલ કોમેન્ટ કરતા પહેલા ચેતજો : હળવદનો યુવાન કાયદાની ઝપટે ચડી ગયો

- text


મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર ઉશ્કેરણીજનક કોમેન્ટ કરનાર હળવદ તાલુકાનો યુવાન કાયદાની ઝપટે : મોરબી અપડેટ દ્વારા યુવાનની કારકિર્દી ન બગડે તે હેતુથી માફીનામું લખાવી માફી આપી

મોરબી : સોશિયલ મીડિયામાં વગર વિચાર્યે મન ફાવે તેવી કોમેન્ટ કરનારાઓને ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે..સાયબર ક્રાઈમનો કાયદો ખૂબ જ કડક છે ત્યારે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર ઉશ્કેરણી જનક કોમેન્ટ કરી પોતાની જાતને ખેરખા ગણાવનાર હળવદના લવરમુછીયાને આજે પોલીસે લુઝ મોશન કરાવી દીધા હતા. જો કે યુવાન અને તેના પરિવારજનોએ આ બાબાતે ભૂલ સ્વીકારી માફી માંગી લેતા અંતે આ યુવાનની કારકિર્દી ન બગડે તે હેતુથી ટીમ મોરબી અપડેટ આ યુવાન સામે કાનૂની કાર્યવાહી ન કરવા નિર્ણય લઈ માફીનામું લખાવી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જયારે ઉશ્કેરણીજનક કોમેન્ટ કરનાર યુવાને મોરબી પોલીસ સમક્ષ જિંદગીપર્યંન્ત ફેસબુકનો ઉપયોગ નહિ કરવાની સ્વૈચ્છીક ખાતરી આપી પોતાની જાતે જ ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું.

તાજેતરમાં મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં હળવદ તાલુકાના એક યુવાને ઉશ્કેરણી જનક કોમેન્ટ કરતા આ કોમેન્ટ અંગે મોરબી અપડેટ ગંભીર બન્યું હતું અને તુરત જ મોરબી પોલીસને આ ગંભીર બાબતની જાણ કરતા મોરબી એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ સાયબર ક્રાઈમ અન્વયે યુવાનને ઉપાડી લીધો હતો.

- text

બીજી તરફ ઉશ્કેરણી જનક કૉમેન્ટને કારણે સાયબર ક્રાઇમની કડક કાનૂની જોગવાઈ મુજબ આકરા પગલાંની સાથે સાથે કોમ – કોમ વચ્ચે વૈયમનસ્ય જાગે તેમ હોય સમગ્ર બાબતને મોરબી અપડેટ ટીમ દ્વારા ગંભીર ગણી કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હળવદ તાલુકાના આ યુવાનને તેના દ્વારા થયેલી ગંભીર ભૂલ સ્વીકારી ક્ષણિક આવેગમાં આવી આ કોમેન્ટો કરી હોવાનું જણાવી અને જો તેની સામે વિધિવત ફરિયાદ નોંધાઇ તો આ લવર મુછિયા યુવાનની કારકિર્દી રોળાઈ જશે. આવેગમાં આવી સમજ્યા વિચાર્યા વગર ઉશ્કેરણીજનક કોમેન્ટો કરનાર યુવાને અને તેના પરિવારજનોએ આ બાબતે માફી માંગી હતી અને ફરીથી આવું કોઈ પણ કૃત્ય ન કરવાની ખાતરી આપી હતી. જેથી અંતે ક્ષણિક આવેગમાં આવી કોમેન્ટો કરનાર યુવાનને તેની ભૂલ સમજાય જતા અને તેની કારકિર્દી ના બગડે તે માટે આ બાબતે મોરબી અપડેટની ટીમે લવર મુછીયા યુવાનની કારકિર્દી ન રોળાઈ અને તેના માતાપિતાને મુશ્કેલીનો ભોગ ન બનવું પડે તે હેતુથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

આ સાથે, મોરબી અપડેટમાં અભદ્ર અને ઉશ્કેરણીજનક કોમેન્ટ કરવાનો મોટો સબક મળતા આ યુવાને આજે મોરબી પોલીસ સમક્ષ જિંદગીપર્યંન્ત ફેસબુકનો ઉપયોગ નહિ કરવાની સ્વૈચ્છીક ખાતરી આપી પોતાની જાતે જ ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી અપડેટ હંમેશા તટસ્થપણે અને આધાર પુરાવાઓ સાથે અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કોઈનો પક્ષ લીધા વગર જ સમાચારો પ્રસિદ્ધ કરે છે આમ છતાં ઘણી વખત કેટલાક લોકો ક્ષણિક આવેગમાં આવી પાયાવિહોણી કોમેન્ટ કરતા હોય છે, ત્યારે આ કિસ્સામાંથી આવી કોમેન્ટ કરતા લોકોએ સબક લેવો જરૂરી છે અને સોશિયલ મીડિયામાં કઈ પણ સમજ્યા વગર એલફેલ કોમેન્ટો લખતા પેહલા સો વખત વિચારવું જોઈએ.

- text