વાંકાનેરમાં મામલતદારની ખનીજ ચોરી પર તવાઈ : ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

- text


ગેરકાયદેસર સફેદ માટીની ખાણમાંથી બે હિટાચી મશીન અને એક બ્લાસ્ટિંગ કરવાનું ટ્રેક્ટર કમ્પ્રેસર ઝડપી પાડ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકો ખનીજ સંપદાથી ભરપૂર ભરેલ હોય અવારનવાર ખાણખનીજને વાંકાનેરમાં ચાલતી ગેરકાયદેસર ખનનની ફરિયાદો મળતી રહે છે પરંતુ આ ખનિજ માફિયાઓને મોરબી જિલ્લા ખાણ ખનીજના છુપા આશીર્વાદ મળેલ હોય ફરિયાદોનું કોઈ નિરાકરણ આવતું નથી!! ફક્ત દેખાડો કરવા પૂરતું સરકારી ગાડીઓમાં ડીઝલનો ધુમાડો કરી વાંકાનેર આવી ખનીજ તંત્ર એકાદ ગાડીનો કેસ બતાવી પોતાની પીઠ થપથપાવી રહ્યું છે.

વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની અનેક ફરિયાદો મળતાં વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા અને મામલતદાર સંદિપકુમાર વર્મા ખનીજ માફિયાઓ સામે મેદાને આવ્યા છે. થોડા દિવસો પહેલા આ બંને અધિકારીઓએ મોડી રાત્રિમાં વઘાસીયા ટોલનાકે અચાનક ચેકિંગ હાથ ધરતાં ચાર ગેરકાયદેસર સફેદ માટી ખનિજ વહન કરતી ટ્રકો પકડી પાડેલ અને એક ગાડી કોલસો ભરેલી ઝડપી પાડેલ જેમાં બધા વાહનોને રૂપિયા ૫,૩૫,૦૦૦નો દંડ કરી સરકારી તિજોરીને આવક કરેલ ઉપરાંત અનેક વખત વાંકાનેર થી જડેશ્વર રોડ પરના કપચીના ભરડીયાઓ માંથી ઓવરલોડ અને રોયલ્ટી વગર પરિવહન કરતાં ટ્રકોની ફરિયાદ હોવા છતાં ખાણ ખનીજ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં વાંકાનેર પ્રાંત અધિકારીએ એક ઓવરલોડ કપચી ભરેલી ડમ્પર ઝડપી પાડેલ અને તેને રૂપિયા ૧,૮૫,૦૦૦નો દંડ કરેલ તેમ છતાં આજદિન સુધી મોરબી જિલ્લા ખાણખનીજ દ્વારા જે-તે લીઝ ધારકો પર કોઈ કાર્યવાહી ન કરી પોતાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરેલ છે!

ગઈકાલે વાંકાનેર મામલતદાર સંદીપકુમાર વર્મા દ્વારા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે આવેલ દુધિયા તળાવથી ઓળખાતા તળાવની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન કરતાં બે હિટાચી મશીન અને ત્યાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ માટે વપરાતા ટેકટર ડ્રિલિંગ મશીનને ઝડપી પાડેલ અને મોરબી જિલ્લા ખાણ ખનીજને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે.

તો શું આવડા મોટા હિટાચી મશીનો ગેરકાયદેસર ખાણકામ કરી રહ્યા હોય તો મોરબી જિલ્લા ખાણ ખનીજ આ બાબતથી અજાણ હશે કે અજાણ હોવાનો દંભ કરી રહ્યા છે? વાંકાનેર તાલુકાના મોટાભાગના ગામોમાં ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું છે અને આ સફેદમાટી તેમજ કાળીમાટી ખુલ્લેઆમ હાઇવે પરથી ઓવરલોડ ટ્રકો દ્વારા મોરબીના સિરામિક કારખાનાઓમાં ઠલવાઈ રહી છે જે જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો મોરબી જિલ્લા ખાણ ખનીજને કેમ આ ગેરકાયદેસર પરિવહન કે ગેરકાયદેસર ખાણો નથી દેખાતી? આ બધી ગેરકાયદેસર ખાણોમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં હેવી બ્લાસ્ટિંગનો પણ ઉપયોગ થઇ રહ્યો છે જો મોરબી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા આ બ્લાસ્ટિંગ મામલે તપાસ કરવામાં આવે તો બ્લાસ્ટના વેપારીઓમાં હડકંપ મચી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

- text

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત તા. ૧૧/૧ ના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસેથી અનઅધિકૃત રીતે રેતી ખનનમાં એક લોડર, બે ટ્રેકટર તેમજ એક રેતી ચારવાનો મોટો ચાયણો ઝડપી પાડી મોરબી જિલ્લા ખાણ ખનીજને જાણ કરવામાં આવેલ પરંતુ આ બાબતમાં મોરબી જિલ્લા ખાણ ખનીજ દ્વારા કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નથી કે કોઈ જાતનો દંડ વસુલ કરવામાં આવેલ નથી!! તેમ છતાં વાહનો મુક્ત કરવામાં આવેલ છે!! જો આ બાબતની મોરબી જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text