મોરબીમાં ૧૦૮ વર્ષના દાદાને પ્રપૌત્રીએ આપી કાંધ

- text


દીકરા દીકરી એક સમાનના સૂત્રને ચરીતાર્થ કરતી પ્રપૌત્રી : વર્ષ ૨૦૧૩માં દાદાની જન્મશતાબ્દી ધામધૂમથી ઉજવાઇ હતી

મોરબી : મોરબીમાં ૧૦૮ વર્ષના દાદાના નિધન બાદ પ્રપૌત્રીએ કાંધ આપીને સમાજને અનોખો દાખલો આપ્યો છે. જો કે દાદાએ જ દીકરા- દીકરી એક સમાન હોવાનું સૂત્ર આપ્યું હતું. બાદમાં પ્રપૌત્રીએ દાદાને કાંધ આપીને તેમનું જ શીખવેલું સૂત્ર ચરીતાર્થ કરી બતાવ્યું હતું.

મૂળ થોરાળાના હાલ મોરબીમાં રહેતા અંબાણી પરિવારના મોભી એવા ઠાકરશી બાપાનું નિધન થયું છે. મહત્વની વાત એ છે કે ઠાકરશી બાપાની ઉંમર ૧૦૮ વર્ષ હતી. અને તેઓ છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ જીવન જીવી ગયા છે. આ ઠાકરશી બાપા આજની પેઢી માટે પ્રેરણામૂર્તિ હતા. તેમનો જન્મ ૧૦૮ વર્ષ પૂર્વે થયો હતો. પરંતુ તેઓની વિચારસરણી ભાવિ પેઢીથી પણ આગળની હતી.

ઠાકરશી બાપા એટલા નસીબદાર હતા કે તેઓને પોતાના પૌત્રના ઘેર જન્મેલા દીકરા- દીકરીઓને પણ સંસ્કારનું સિંચન કરવાનો અવસર મળ્યો હતો. ઠાકરશી બાપાના પરિવારની ચાર પેઢી હળીમળીને રહેતી હતી. તેઓના પુત્ર પ્રભુભાઈ અને વનજીભાઈ તેમજ પૌત્ર પ્રવીણભાઈએ મળીને ગત તા. ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ દાદાના ૧૦૦મા જન્મદિવસે શતાબ્દીની ધામધૂમથી ઉજવણી પણ કરી હતી.

- text

ઠાકરશી બાપાએ તેના વંશજોમાં સંસ્કારના બીજ ખૂબ કાળજી પૂર્વક રોપ્યા હતા. તેઓએ પરિવારને દીકરા દીકરી એક સમાન હોવાનું સૂત્ર આપ્યું હતું. ત્યારે આ સૂત્રને તેની ચોથી પેઢીએ આવતી દીકરી સચિતાબેન અંબાણીએ ચરીતાર્થ કરીને દાદાની નનામીને કાંધ આપી હતી. નોંધનીય છે કે આ પ્રપૌત્રીએ ઠાકરશી બાપાના અંતિમ શ્વાસ સુધી તેઓની ખૂબ સેવા પણ કરી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારે ઠાકરશી બાપાના નિધન બાદ કોઈ પણ જાતની ઉતરક્રિયા ન કરવાનો નિર્ણય લીધો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text