વાંકાનેર: જગવિખ્યાત માટેલ યાત્રાધામ અનેક સુવિધાઓથી વંચિત

ગુજરાત સહીત અન્ય વિસ્તારોમાંથી આવતા યાત્રાળુઓને હાલાકી ભોગવવી પડે છે

વાંકાનેર: વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામ આજે આધુનિક યુગમાં પણ અનેક સુવિધાઓથી વંચિત છે, અનેક નેતાઓ અને અધિકારીઓ ઘણીવાર આ ધામની મુલાકાત લઇ ચુક્યા હોવા છતાં આ યાત્રાધામમાં કોઈ સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી, એવું ગ્રામજનોનું કહેવું છે.

અત્રે નોંધનીય છે કે આ યાત્રાધામની ધરામાં મા ખોડિયાર નિવાસ કરે છે જેની રક્ષા એક મગર કરે છે. આ ધરાની ઊંડાઈ માપવા તંત્ર ઘણું મથ્યું છે પણ તેનો તાગ મેળવી શકાયો નથી. દર મહિનાની પૂનમના દિવસે પોતાની માનતાઓ પૂરી કરવા ,માટે દેશ પ્રદેશથી જનમેદની ઉમટી પડે છે, છતાં હજી સુધી આ ગામમાં એક પણ એસ. ટી. બસની ફાળવણી કરવામાં આવી નથી, આ બાબતની લેખિત અને મૌખિક રજુઆત માટેલ ધામ ટ્રસ્ટ દ્વારા પણ અનેક વખત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં તા નથી. ભક્તજનોને ઢુંવા ચોકડી ઉતરવું પડે છે અને તેમની આ મજબૂરીનો લાભ ખાનગી વાહનચાલકો ઉઠાવે છે. પરંતુ તેઓ ભયજનક રીતે વાહન ચલાવતા હોવાથી અનેક અકસ્માતો થઇ ચુક્યા છે જેમાં ઘણા યાત્રાળુઓ મોતને પણ ભેટ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ ચૂંટણી વખતે રાજકીય આગેવાનો અહીંથી જ આશીર્વાદ લઈને જ ચૂંટણી પ્રચાર કરે છે પણ આજદિન સુધી આ યાત્રાધામની ન તો આગેવાનો દ્વારા કે ન તો એસ. ટી. તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવી છે. ઢુંવાથી માટેલ જતો સાત કી. મી. નો રસ્તો પણ 30 વર્ષથી બિસમાર હાલતમાં છે. ગુજરાત ટુરિઝમનું મોડેલ પણ અહીંયા નકામું સાબિત થયું છે. ભક્તજનો અને ગ્રામજનો દ્વારા આ ધામને ચાર બસો ફાળવવામાં આવે તેવી માંગણી કરાઈ છે. હાલના સમયમાં તો એક બસ ભૂલે ચુકે આવે છે પણ એનો સમય નક્કી હોતો નથી. આ અંગે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના આગેવાન રાજુભાઈ ધ્રુવને પણ અનેક વખત રજુઆત કરી હોવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી અને માત્ર મોટી વાતો કરીને ધામને પણ રાજકારણનું ગ્રહણ લાદવામાં આવે છે તેવું ગ્રામજનોનું માનવું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en