ટંકારાના હમીરપરમાં ગેરકાયદેસર જેટકો કંપનીની વિજલાઈન નખાતા ખેડૂતોમાં રોષ

ખેડૂતોએ કલેકટરને આવેદન આપી ખેતરોમાં નખાયેલી હેવી વીજ લાઇન ન હટાવાઈ તો આત્મ વિલોપનની ચીમકી આપી :લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

મોરબી :ટંકારાના હમીરપર ગામે મંજૂરી વગર જેટકો કંપનીની હેવી વીજ લાઇન નાખવાની શરુ થતા ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.આ હેવી વીજ લાઈનથી ભવિષ્યમાં ખેડૂતોને મોટું નુકસાન થશે તેવી ફરિયાદ સાથે ખેડૂતોએ કલેકટરને આવેદન આપીને જો હેવી વીજ લાઇન નહિ હટે તો આત્મ વિલોપન કરવાની ચીમકી આપી છે.

ટંકારાના હમીરપર ગામના ખેડૂતોએ આજે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે,જેટકો કંપની દ્વારા હમીરપર ગામે ગોચર તથા સીમતળ જમીનમાંથી વિરવાવથી હડાળાસુધી 220 કે.વી.ની વિજલાઈન પસાર કરવા વિજપોલ અને હેવી વિજલાઈન નાખવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે.કોઈપણ જાતની મંજૂરી વગર આ કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આથી કંપનીએ ધાકધમકી આપીને આ કામ ચાલુ રાખ્યું છે.હમીરપર ગામની 50 સાતી ટૂંકી સિમતળની જમીનોમાં ત્રણ મોટી હાઈટેનશન વિજલાઈન તથા અંડર ગ્રાઉન્ડ ઓઇલ કંપનીની બે લાઇન પસાર થઈ છે.આટલું ઓછું હોય તેમ આવી ટૂંકી જમીનમાં વધુ એક હેવી વિજલાઈન પસાર કરવાની હિલચાલ થઈ રહી છે.જેનાથી નાના ખેડૂતો હિત જોખમાય શકે તેમ છે અને ખેડૂતોને કોઈપણ ભોગે પરવડે તેમ નથી.જો આ હેવી વિજલાઈન પસાર થાય તો ખેડૂતોની ટૂંકી જમીનમાં આજીવિકા છીનવાઈ જાય તેવી સ્થિતિ છે.ખેડૂતોને મોંઘવારીના સમયમાં જીવવું કપરું થઈ પડે તેમ છે.તેથી ખેડૂતો તેમના હિત ખાતર આ હેવી વિજલાઈનને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે અને જો તેમની આ વ્યાજબી માગણી ન સંતોષાય તો પ્રથમ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન બાદમાં આત્મ વિલોપન કરવાની ચીમકી આપી છે. તેમજ આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en