મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લેવા અપીલ

ખેડૂતો ગ્રામપંચાયત ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે ઓનલાઈન અરજી કરી શકશે : નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજારની સહાય અપાશે

મોરબી : ભારત સરકાર દ્રારા દેશના તમામ નાના અને સીમાંત ખેડુતો પરિવારોની આવક સુનિશ્ચિત કરવા માટે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ ૨ હેકટર સુધીની જમીન ધરવાતા નાના અને સીમાંત ખેડુત કુંટુબને પ્રતી વર્ષ રૂ.૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી) માધ્યમથી મળવા પાત્ર થશે.

પ્રથમ હપ્તા તરીકે તા-૦૧/૧૨/૨૦૧૮ થી તા- ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. આ યોજના હેઠળ જમીન ધારક કુટુંબ એટલે પતિ,પત્ની, અને સગીર બાળકો(અઢાર વર્ષની ઓછી વયના)નો સમાવેશ ખેડૂત કુટુંબમાં થશે. જમીન ધારકતા અંગે તા-૦૧-૦૨-૨૦૧૯ ની સ્થિતીએ ખેડુત તરીકે નોંધણી થયેલી હોવી જોઈએ. વધુમાં આ યોજનાનો લાભ કોઈ બંધારણીય પદ ધરાવતા ચાલુ કે ભૂતપૂર્વ પ્રધાનો, જીલ્લા પંચાયતના ચાલુ કે ભૂતપૂર્વ પ્રમુખો, ચાલુ કે ભૂતપૂર્વ મેયર, ચાલુ કે ભૂતપૂર્વ સંસદ સભ્યો,ચાલુ કે ભુતપૂર્વ ધારાસભ્યો, પૂર્વ કે ચાલુ વર્ગ-૪ સિવાયના કર્મચારી કે અધિકારીઓ, આવકવેરો ભરતી વ્યક્તિઓ, ડોક્ટર, એન્જીનીઅર, ચાર્ટડ એકાઉન્ટ કે આર્કિટેક્ટને મળવાપાત્ર નથી.આ યોજના હેઠળ જીલ્લામાં પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારને ઝડપથી લાભ પ્રાપ્ત થાય તેમજ પ્રથમ હપ્તાની રકમ તા.૩૧ માર્ચ સુધીમાં મળી જાય તે માટેનું સુચારુ આયોજન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડુતોની અરજીઓ દરેક ગ્રામ પંચાયત ઉપર ઓનલાઇન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે ખેડુતોએ સંબધીત ગ્રામ પંચાયત ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તલાટીકમમંત્રી ,ગ્રામસેવક,વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડુતે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ, બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ કરેલ ચેક અને કોઇપણ એક આઈડી પ્રૂફની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી-મોરબીની એક યાદી માં જણાવેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en