વાંકાનેરમાં યુવતીની બ્લેકમેઇલિંગમાં નહિ પણ પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો ધડાકો

અવાર નવાર પરણિત પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવતીએ પરાણે સંબંધ રાખવા દબાણ કરતા મોત મળ્યું

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક ઓઇલમિલમાં કામ કરતી યુવતીની સહકર્મી દ્વારા હત્યા પ્રકરણમાં પ્રેમ પ્રકરણનો નવો ફણગો ફૂટ્યો છે. પોલીસે ઝડપી લીધેલા આરોપીની પૂછતાછમાં મૃતક યુવતી પરણિત પ્રેમી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમીએ કાસળ કાઢી નાખ્યાંની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

વાંકાનેર હાઇવે ઉપર આવેલ સૂર્યા ઓઇલમિલમાં બીલિંગનું કામ કરતી કવિતા કેતનભાઇ ચૌહાણ ઉ.વ. ૨૦નું માથાના પાછળના ભાગમાં તથા ગાળાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરવા પ્રકરણમાં યુવતીના પિતા કેતનભાઇ પન્નાભાઈ ચૌહાણ ઉ.વ. ૪૪ રહે. વીસીપરા વાંકાનેર વાળાએ સિટી પોલીસમાં તેમની પુત્રી કવિતા સાથે મેનેજર તરીકે કામ કરતા આરોપી ધીરજ જીવાભાઈ આહીર રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ જુનાગઢ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હત્યારા ધીરજને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.\

પોલીસની પૂછતાછમાં આરોપી ધીરજે કબૂલાત આપી હતી કે છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે ઓઈલમિલમાં કામ કરતો હતો અને કવિતા છેલ્લા એક વર્ષથી આરોપી સાથે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બીલીંગનું કામ કરતી હતી અને બંને વચ્ચે છેલ્લા સાત મહિનાથી પ્રેમ સબંધ બંધાયો હોય બંને અવારનવાર ઓફિસમાં એકલાં મળતાં અને શારીરિક સબંધ પણ બાંધતા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી પરણિત હોય સંતાનમાં એક બે વર્ષની દીકરી અને પાંચ મહિનાનો પુત્ર છે જેની તબિયત નાજુક રહેતી હોય અવારનવાર હોસ્પિટલમાં બતાવતા જતી વખતે આરોપીનું સઘળું કામ મૃતક યુવતી સંભાળતી હતી જેમાં બનાવના દિવસે આરોપી પોતાના પુત્રને બતાવવા હોસ્પિટલે ગયેલ હોય કવિતાને મળવા ન આવતા આ બાબતે બંને વચ્ચે ફોનમાં ઝઘડો થયેલ બાદ આરોપી ત્રણ વાગ્યે કારખાને આવી ગયેલ ત્યાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધના ખટરાગમાં સાંજે છ વાગ્યાના અરસામાં ઉગ્ર બોલાચાલી થતાં કુહાડી વડે માથાના ભાગે અને ગળામાં માર મારતાં યુવતી રસોડામાં ઢળી પડી હતી.

જો કે આરોપી ધીરજે કવિતાની હત્યા કર્યા બાદ ત્યાં હાજર રહેલ અને બીજા લોકોને બોલાવી યુવતી પડી જતાં મરણ થયાની સ્ટોરી ઉભી કરી હતી અને કવિતાને ઉપાડવા જતાં તેના કપડાં લોહીવાળા થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું.

આ ચકચારી હત્યા પ્રકરણમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે ત્યારે હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી હથિયાર કબજે લઇ આરોપીના સાત દિવસના રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en