વાંકાનેરના સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિરમાં તસ્કરો ત્રાટકયા : દાનપેટીમાં હાથફેરો

- text


સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ : અગાઉ મંદિરમાં થયેલ પાંચ લાખની ચોરી થયેલ ભેદ ખુલ્યો નથી ત્યાં બીજી ચોરી

વાંકાનેર : વાંકાનેરના પ્રસિદ્ધ ગાયત્રી મંદિરને નિશાન બનાવી નિશચારો દાનપેટી તોડી અંદાજે ૨૫ હજાર જેટલી રકમની ચોરી કરી જતા ચકચાર જાગી છે, જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આવેલ પવિત્ર યાત્રાધામ ગાયત્રી મંદિરમાં ગત રાત્રીના ૨:૪૫ વાગ્યે બે શખ્સો મંદિરનો દરવાજો તોડી મંદિરમાં પ્રવેશ કરી ગાયત્રી માતાજીની અને સરસ્વતી માતાજીની દાનપેટી તોડી ૨૫ રોકડ રકમની ચોરી કરેલ અને મહાકાલેશ્વર મંદિરમાં રહેલી દાનપેટીને ઊંચકી મંદિરની બહાર પાછળની સાઇડ આવેલ સ્કૂલમાં લઈ જઈ ત્યાં દાનપેટી તોડી રોકડ રકમ સાથે લઇ ગયેલ અને દાનપેટીને ત્યાં જ મૂકી નાસી છૂટ્યા હતા.

ઉપરાંત નજીકમાં આવેલ સ્કૂલના તાળા પણ આ ચોરોએ તોડી પાડેલ અને પ્રિન્સિપાલ ના રૂમમાં રહેલ કબાટ અને ટેબલના ખાનાનો સામાન વેર વિખેર જોવા મળેલ પરંતુ સ્કૂલમાં કોઈ રોકડ રકમ ન હોય ચોરોને કાંઈ હાથ લાગેલ નહીં

વધુમાં ચોરોએ ચોરી દરમિયાન મહાકાલેશ્વર મંદિરમાં રહેલ સીસી ટીવીના વાયર તોડી નાખ્યા હતા, આ ગાયત્રી મંદિરમાં અગાઉ પણ થોડા વર્ષો પહેલાં માતાજીના ચાંદીના મુગટ, ચાંદીના ચરણપાદુકા અને માતાજીની ચાંદીની મૂર્તિ બધો મુદ્દામાલ મળી અંદાજે રૂપિયા પાંચ લાખની કિંમતની વસ્તુની ચોરી થયેલ જેનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી ત્યાં આજે ફરી પાછી ચોરીની ઘટના બનવા પામેલ છે.

- text

આજે સવારે ગાયત્રી મંદિરના સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકે મંદિરમાં થયેલ ચોરી બાબતની જાણ કરતાં પીઆઇ એમ.વી. ઝાલા દ્વારા આ મામલે ફરિયાદ નોંધી ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરેલ છે.

- text