ટંકારાને નગરપાલિકાનો દરજ્જો ક્યારે ? : શીતયુદ્ધના મંડાણની તૈયારી

- text


પંચાયત લાપતા બની પ્રાથમિક સુવિધાઓનો અભાવ સહિતની અનેક સમસ્યાથી પ્રજા ત્રાહિમામ : લોકસભા પૂર્વે નગરપાલિકા આપવા ગ્રામજનોની માંગ

ટંકારા : સ્વામી દયાનંદ સરસ્વતીની પાવનભૂમિને કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત બનેલ ટંકારા ગામનું મૂલ્ય સમજવામાં નિષ્ફળ નિવડેલા સ્થાનિક રાજકારણી અને સ્થાનિક અધિકારીઓનો કાન આમળવા ટંકારાની પ્રજા સજ્જ બની છે અને આગામી લોકસભા ચુંટણી પહેલા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે શીત યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે. શરમજનક પરિસ્થિતિ વચ્ચે હાલમાં ગ્રામપંચાયત પાસે પોતાનુ મકાન પણ નથી ત્યારે ગ્રામજનોને સુવિધા ક્યાંથી મળે તેવો અણિયારો સવાલ ઉઠાવી ટંકારાના યુવાનોએ નગરપાલિકાનો દરજ્જો મેળવવા કમર કસી લીધી છે.

ટંકારા શહેર આમ તો સુધરાઈ એટલે કે નગર પાલિકા જેવું ગામ છે, બધી મેઇન બજારો, રોડ- રસ્તાથી સજ્જ પંરતુ બે દશકા પહેલા તાલુકો થયો અને આધુનિક ટેકનોલોજી પણ આવી પરંતું ખાટલે મોટી ખોટ કે નબળી નેતાગીરી અને આયાતી નેતાઓના કારણે ટંકારા તાલુકો ઓરમાયો રહ્યો અને આધુનિકતા સાથે કદમ ન મિલાવી શક્યો, પરીણામે આજે ટંકારામા વિકાસ નામે મિંન્ડુ છે જ્યારે સામી બાજુ ટંકારામા રોજગારીની તક જોઈ કારખાનેદાર, નોકરીયાત અને ખેડુત વર્ગ ગામડામાથી શહેરની અર્બન લાઈફ જીવવા માટે અહીં આવી વસ્યો છે પરંતુ આ આશા ઠગારી નીકળી અને લોકો ઉલ માથી ચુલમા પડ્યા હોય તેવી પ્રતીતિ કરી રહ્યા છે.

- text

ટંકારા ભોગોલીક દ્રશ્યો જોઇ તો એવી લાગે કે મોટુ ગામ છે પરંતુ સુવિધાની દ્રષ્ટિએ જોઈ એ તો ટંકારા ગામડાથી પણ પછાત છે અહી ફાયરબ્રિગેડ, સારા રોડ – રસ્તા, બાળક્રિડાંગણ, બગીચો, રમત-ગમત મેદાન, યુવાનો માટે જીમ, શુધ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ, વાંચનાલય, (લાઈબ્રેરી) સભાગૃહ, (ટાઉનહોલ) જાહેર સુલભ શૌચાલય, સ્નાનાગર, ગ્રામ પંચાયત સંચાલિત એમ્બ્યુલન્સ જેવી સુવિધા તો ઠીક શહેરમા તથા નજીકના ગામડામા આવા જવા માટે બસ સુવિધાની સગવડો પણ નથી એટલું ઓછું હોય તેવામાં મોરબી જીલ્લો બની ગયો છતાં પણ ટંકારાને નગરપાલિકા તો ન મળી પણ પંચાયત ઘર પણ ન મળ્યું !

ટંકારાની આસપાસ ઉદ્યોગોએ વિકાસની હરણફાળ ભરી છે ત્યારે અહીં દર શનિવારે બજાર તો ભરાઈ છે પણ તેની બેસવા માટે મેઇન બજારનો ઉપયોગ કરવો પડે છે, જાહેરમા એક પણ શૌચાલય પણ નથી, સ્વચ્છતા અભિયાન હાથ ધરે એ માટે કોઈ કમીટી પણ નથી, તો ઓનલાઇનના જમાનામાં ઈ – ગ્રામ પંચાયત માત્ર કાગળ પર છે. આગ લાગવાના બનાવો તો ધણા બને છે મોટી મોટી બીલ્ડીગ પણ બની ગઈ પણ ફાયરબ્રિગેડ નથી !

આ સંજોગોમાં સ્થાનિક જાગુત યુવાનો એ ટંકારાને નગરપાલિકા નો દરવાજો અપાવવા કમર કસી છે અને હાલમાં ધીમી પણ મક્કમ ગતિએ આ ઝુંબેશ વેગવંતી બનાવવા સંકલ્પ કરી યુવાનો દ્વારા આગામી લોકસભા ચૂંટણી પહેલા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રાજકારણીઓ ઉપર પણ પૂર્ણ રૂપે દબાણ લાવવા પ્રયાસો તેજ બનાવ્યા છે.

 

- text