અછતગ્રસ્ત મોરબી જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 51 કરોડ ની સહાયનું ચુકવણું

1 લાખ 24 હજાર ખેડૂતોને સહાય મળશે :તા.7 સુધીમાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાઈ જશે

મોરબી : મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જહેર કરાયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની ચુકવણું કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.જેમાં 1 લાખ 24 હજાર ખેડૂતોને સહાય આપવાનું નક્કી કરાયું છે અને અત્યાર સુધીમાં 45 ટકા એટલે કે રૂ.51 કરોડની ખેડૂતોને સહાય ચૂકવાય ગઈ છે.તેમજ તા.7 સુધીમાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાય જશે તેવું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

મોરબી જિલ્લામાં ગતવર્ષે ખૂબ જ ઓછો વરસાદ થવાથી ખેડુતોનો પાક નિષફળ ગયાની ફરિયાદને પગલે સ્થાનિક તંત્રના ખેતીમાં સર્વે થયા બાદ ગુજરાત સરકારે મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી દીધો હતો.ત્યારે હવે સરકારે ખેડૂતોને અછતની સહાય આપવાની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ગજેરાએ જણાવ્યું હતું કે અછતની સહાય મેળવવા માટે મોરબી જિલ્લાના 1 લાખ 24 હજાર અસરગ્રસ્ત ખેડૂતોની અરજી આવી હતી.હવે આટલા ખેડુતોને અછતની સહાય મળશે.ખેડૂત દીઠ સહાય માટે બે હેકટર જમીનની મર્યાદા છે.જેમાં મોરબીમાં પ્રતિ ખેડૂત દીઠ રૂ. 12600, ટંકારામાં ખેડૂત દીઠ રૂ.11600, વાંકાનેર,માળીયા અને હળવદના ખેડૂત દીઠ રૂ.13600ની સહાય ચૂકવાશે એટલે મોરબી જિલ્લામાં અછતથી માળીયા,હળવદ અને વાંકાનેર સૌથી વધુ પ્રભાવિત હતા.તેથી આ ત્રણેય તાલુકાના ખેડૂતોને સહાયની વધુ રકમ મળશે.મોરબીમાં 34043, ટંકારાના 18700,માળિયામાં 18347 અને હળવડમાં 24556 તથા વાંકાનેરમાં 21930 ખેડૂતોને સહાય મળશે. મોરબી જિલ્લામાં ખેડૂતોને અછતની સહાયનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં 45 ટકા એટલેકે રૂ.51 કરોડની સહાય ચૂકવાય ગઈ છે.અને તા.7 સુધીમાં તમામ ખેડૂતોને અછતની સહાય ચૂકવી દેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.