મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા રવિવારે પ્રથમ સમૂહ લગ્નોત્સવ

- text


સાત યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રથમ સમુહલગ્નનું આયોજન કરાયું છે.આ ભવ્ય સમૂહલગ્ન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરીને યુવક મંડળ દ્વારા પ્રેરણાદાયી પગલું ભરવામાં આવનાર છે.આ સમૂહ લગ્નના આયોજન થકી મોરબી જીલ્લા ગોસ્વામી સમાજની એકતા અને સંગઠન મજબૂત થાય, એકબીજાના સંબંધો વધે, એક બીજા પરિવારની જાણકારી મળે તેવા શુભ હેતુથી મોરબી જિલ્લા દશનામ ગોસ્વામી પરિવારની ડિરેક્ટરી ૨૦૧૯ બનાવવાનું આયોજન પણ આ તકે કરાયું છે. જેના ફોર્મ સમૂહ લગ્નની કંકોત્રી સાથે વિતરણ કરાયા છે. જે ભરીને વહેલી તકે પહોંચાડવા અને સહયોગ આપવા યાદીમાં જણાવાયું છે.

આ ડિરેક્ટરીમાં મોરબી જીલ્લાના વિવિધ તાલુકાઓના તેમજ મોરબી શહેરમાં વસતા ગોસ્વામી પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન તા.૧૦/૦૨/૨૦૧૯ને રવિવારે રામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સાત યુગલો લગ્ન ગ્રંથીથી જોડાશે.આ સમૂહલગ્ન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી યોજાઇ રહ્યા છે. જેમાં દાતાઓના સહયોગથી કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના, ગૃહ વપરાશની ઉપયોગી તમામ ચીજવસ્તુઓ સહિતની કુલ ૭૪ વસ્તુઓ ભેટ અપાશે. તેમજ સમૂહ લગ્ન પૂર્વે તા૯/૨ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે સમૂહ લગ્ન સ્થળ પર જ રાસ ગરબા તેમજ ડી.જે. નાઈટનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

- text

સમૂહ લગ્નમાં તા ૧૦/૦૨ના રોજ સમૂહ લગ્ન સ્થળ પર જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સમૂહ લગ્નમાં સંતો મહંતો સહિત સમારંભના અધ્યક્ષ મનસુખપુરી રામપુરી ગોસ્વામી (પૂર્વ પ્રમુખ મહા ગુજરાત દશનામ ગોસ્વામી મંડળ ભાવનગર), ડૉ.મનીષભાઈ ગોસ્વામી (પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ દશનામ ગોસ્વામી મહામંડળ રાજકોટ), ગોસ્વામી ગુલાબગીરી ઘેલુંગિરી (પ્રમુખ મોરબી દશનામ ગોસ્વામી મંડળ), સોમગીરી પ્રભાતગીરી ગોસ્વામી (અધ્યક્ષ અખિલ દશનામ ગોસ્વામી સેવા સમાજ રાજકોટ) સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો, સૌરાષ્ટ્ર-કરછ ગુજરાતના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ સમૂહ લગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના અમિતગીરી ગુણવંતગીરી, તેજશગીરી મગનગીરી, નિતેશગીરી મનહરગીરી, કીર્તિગીરી ઉમેદગીરી, પંકજગીરી ગુણવંતગીરી, હાર્દિકગીરી, બળવંતગીરી સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

- text