એક સમયે મોરબીની ઓળખ ધરાવતો નળીયા ઉધોગ હાલ ઓક્સિજન પર

સીરામીક ઉધોગના ઉદય બાદ પડતી શરૂ થઈ : 285 માંથી હાલ 30 જ નળીયાના એકમો બચ્યા : લોકોની ઇમારતો વાળા મકાનો બનાવવાની મહેચ્છા અને મજૂરોની મોટી અછત ,લાકડા મોંઘા થતા આ ઉધોગની પડતી થઈ

મોરબી : મોરબી શહેરની હાલ સીરામીક સીટી તરીકે દેશવિદેશમાં ઓળખ છે.પરંતુ એક સમયે મોરબી નળીયા ઉધોગથી વિખ્યાત હતો.ઘડિયા નળીયા અને તળિયા એ મોરબીની ઓળખ અને શાન હતી.પરંતુ હાલ નળીયા ઉધોગ બેહાલ સ્થિતિમાં છે.સીરામીક ઉધોગના ઉદયથી આ ઉધોગના વળતા પાણી શરૂ થયા હતા અને 285માંથી હાલ 30 જ નળીયાના એકમો બચ્યા છે.એ પણ ઓક્સિજન પર ચાલી રહ્યા છે.લોકોની ઇમારતો વાળા હાઈફાઇ મકાનો બનાવવાની ઘેલછા અને મજૂરોની મોટી અછત તથા લાકડા મોંઘા બનવા સહિતના કારણો નળીયા ઉધોગની પડતી માટે કારણભૂત છે.

મોરબીમાં સીરામીક ઉધોગનું અસ્તિત્વ ન હતું.તે પહેલાં નળીયા ઉધોગનો સુવર્ણકાળ હતો.આ સુવર્ણકાળને યાદ કરતા મોરબીના રુફિગ ટાઇલ્સના હોદેદારો જણાવે છે કે.આઝાદી પહેલા મોરબીમાં નળીયા ઉધોગ અસ્તિત્વ ધરાવતો હતો.અને તે સમયે સિમેન્ટના નળીયાનું ઉત્પાદન થતું હતું.વર્ષ 1951માં પ્રજાપત ટાઇલ્સ અને મહાવીર ટાઇલ્સ એમ બે નળીયાના એકમોથઈ મોરબીમાં નળીયા ઉધોગની સફર શરૂ થઈ હતી.અને 1970 પછીના ગાળામાં આ ઉધોગની સતત આગેકૂચ રહી હતી.1979ના પુર હોનારતની દુર્ઘટના પછી સારી સરકારી સહાય મળતા આ ઉધોગને જીવતદાન મળવાથી તે પછીના સમયગાળામાં નળીયા ઉધોગે હરણફાળ પ્રગતિ કરી હતી.મોરબીમાં તે સમયે મેગલોરી અને વિલાયતી નલિયાનું ઉત્પાદન થતું હતું મોરબીના આ નલિયાની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી માંગ રહેતી હતી.ત્યારે આજની જેમ આધુનિક વૈભવશાળી મકાનો બનાવવાનો જમાનો આવ્યો ન હતો.એથી મોટાભાગના લોકો નળીયાવાળા મકાનો બનાવતા હોવાથી મોરબીનો નળીયા ઉધોગ શિરમોર હતો.

નળીયા ઉધોગમાં ઘરઆંગણે હજારો લોકો રોજીરોટી મેળવતા હતા.ખાસ કરીને અનેક લોકો માટે નળીયા ઉધોગ આજીવિકાનું કેન્દ્ર હતો.વર્ષ 2000 સુધીમાં મોરબીમાં નળીયા ઉધોગની બોલબાલા રહી હતી અને આશરે 285 જેટલા એકમો હતા.પરંતુ જ્યારથી સીરામીક ઉધોગની સફર શરૂ થઈ ત્યારથી આ ઉધોગની માઠી બેઠી હોય તેમ ધીરેધીરે પડતી શરૂ થવા લાગી હતી .વર્ષ 1991 પછીના સમયગાળા એકલ દોકલ સીરામીક કારખાના બાદ ઉત્તરોતર ડિમાન્ડ વધી જતાં 2000 પછી સીરામીક ઉધોગે ભારે કાઠું કાઢ્યું હતું.એક તો સીરામીક ઉધોગ બારેમાસ અને 24 કલાક ધમધમતો ઉધોગ છે.સામાપક્ષે નળીયા ઉધોગ વરસાદના કારણે ચોમાસામાં ચાર મહિના બંધ રહેતો હતો.તેથી રોજગારી મેળવવા માટે મોટાભાગના મજૂરો સીરામીકમાં જોતરાતા નળીયા ઉધોગને મજૂરોની મોટી ખોટ પડી અને જોતજાતમાં ઘણા કારખાનાંને તાળા લાગી ગયા તેમજ તે જગ્યાએ નવા સીરામીક એકમો ઉભા થઇ ગયા છે.

મજૂરોની મોટી અછતની સાથે ધર માથે નળીયા ચડાવતા ખાસ કારીગરોની પણ સંખ્યા ઘટી છે.ઘરની માથે નળીયા નીચે રખાતા લાકડા પણ મોંઘા બની ગયા છે.તેમજ આજે આધુનિક જમાના માંગ મુજબ સામાન્ય પરિવાર પણ નાનું મોટું ઇમારત વાળું મકાન બનાવે છે.આથી ઇમારત વાળા મકાનોની જબરી ડિમાન્ડ વધતા નળીયા ઉધોગને મરણોતલ ફટકો પડયો છે. 285 માંથી હાલ 30 જ નળીયા એકમો બચ્યા છે.હાલ નળીયાની માંગ ગુજરાતના બનાસકાંઠા, મહારાષ્ટ્ર. યુપી, સહિતના રાજ્યોમાં જ ડિમાન્ડ સીમિત રહી ગઈ છે.આજે પણ ભારતમાં સૌથી વધુ નળીયાનું ઉત્પાદન મોરબીમાં થાય છે અને જમાના પ્રમાણે ડેકોરેટિવ નળીયા બને છે પણ મોરબી હાલ જેટલા નળીયાના એકમો બચ્યા છે તે ઓક્સિજન ડચકા ખાય છે.