ટંકારામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચને ઇજા : એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે

સોશ્યલ મીડિયામાં કરાયેલી કૉમેન્ટના કારણે થયો ડખ્ખો : પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ

ટંકારા : ટંકારા ગામે વધુ એક વખત બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હથિયારો વડે બન્ને જૂથો સામસામા આવી જતા અંદાજીત પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. વધુમાં ઘટનાની જાણ થતા એસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો છે. હાલ આ વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલીંગ ગોઠવી દીધુ હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારામાં એક જ પરિવારના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતમાં અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સોશ્યલ મીડિયામાં કરવામાં આવેલી કૉમેન્ટના કારણે એક જ પરિવારના બે જૂથ હથિયારો લઈને સામસામા આવી ગયા હતા. હથિયારો વડે થયેલા આ હુમલામાં અંદાજીત પાંચેક જેટલા લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ પણ ટંકારાના જૂથ અથડામણનો કિસ્સો બન્યો હતો. જેથી આ બનાવમાં પરિસ્થિતિ વણસે નહિ તે માટે ખુદ એસપી ડો. કરનરાજ વાઘેલા આ અંગેની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા શંકાના આધારે અમુક શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે પોલીસે બંદોબસ્ત સાથે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.