મોરબીના જેલમાં ભાગવત કથાના માધ્યમથી કેદીઓને અપાતું જીવનના મર્મનું જ્ઞાન

- text


કેદીઓનું જીવન સુધારવા ભાગવત કથાનું આયોજન : કથાનો લાભ લેતા 216 કેદીઓ : કેદીઓનું જીવન સુધરે એ જ મારી દક્ષિણા છે. : કથાકાર

મોરબી : જેલમાં રહેલા કેદીઓ ગુનાઓની પ્રાયશ્ચિતના આગમાં શુદ્ધ થઈને તેમના જીવનનું પરિવર્તન થાય તેવા ઉદેશ્યથી મોરબીની સબજેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથાકાર દ્વારાં કેદીઓમાં જીવનના મર્મના જ્ઞાનનું સિંચન કરવામાં આવી રહ્યું છે.આ ભાગવત કથાનો જેલના 216 કેદીઓ લાભ લઇ રહ્યા છે.આ તકે કથાકારે કેદીઓનું જીવન સુધરે એ જ તેમની દક્ષિણા હોવાનું જણાવ્યું હતું

મોરબીની સબ જેલનું વાતાવરણ શ્રીમદ ભાગવત કથાના આયોજનથી એકદમ ધર્મમય બની ગયું છે. ડી.જી.પી.મોહન ઝા ની સૂચના હેઠળ કેદીઓનું જીવન ધોરણ સુધારવાના આશયથી મોરબીની સબજેલમાં જેલતંત્ર દ્વારા ગત તા.31 થી 6 ફેબ્રુઆરી સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદના જાણીતા ભાગવત કથાકાર ભાવિન લાલજી મહારાજ ભાગવત કથાની આધ્યાત્મિક વાણી વહાવીને કેદીઓને માનવ જીવનનો સાચો રાહ બતાવી રહ્યા છે ભાગવત કથામાં આવતા જુદાજુદા ધાર્મિક પ્રસંગોની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે.જેલમાં જ જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને કથાકારે જેલમાં જન્મીને સમગ્ર જગતનું કલ્યાણ કરીને ધર્મની સ્થાપના કરનાર ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી બોધપાઠ લઈને કેદીઓને તેનું અનુસરણ કરીને સમાજમાં ફરી સારા નાગરિક બનીને આદર્શ જીવન જીવવાની શીખ આપી હતી.

- text

આ તકે જેલના અધિક્ષક પી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે લૂંટ, ખૂન, બળાત્કાર સહિતના નાના મોટા ગુનામાં 213 પુરુષ અને 3 મહિલા કેદીઓ આ જેલમાં સજા ભોગવે છે.આ કેદીઓ પણ માણસ છે.અને તેમને જીવન સુધારવાની તક મળવી જોઈએ. જેલમાંથી છૂટીને સમાજમાં ફરી સારા વ્યક્તિ તરીકે જીવન જીવે તે માટે સારા વિચારોનું જ્ઞાન આપવા માટે કરાતી વિવિધ રચનાત્મક પ્રવૃતિઓમાં ભાગવત કથા એક ભાગ છે. કેદીઓનું જીવન સુધરે તે જ અમારો ઉદેશય છે.

જ્યારે ભાગવત કથાકારે જણાવ્યું હતું કે ભગવાન ઠાકોરજીનું જ્યાં પ્રાગટય થયું હોય તે જેલસ્થાન અપ્રવિત્ર કેવી રીતે ગણી શકાય.ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી બોધપાઠ લઈને કેદી એક સારા માણસ બને તે મારુ મોટું સૌભાગ્ય છે અને કેદીઓનું જીવમ સુધરે એ જ મારી સાચી દક્ષિણા છે.

- text