મોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બંધન એપાર્ટમેન્ટ બોની પાર્કમાં રહેતા રજનીકાંતભાઈ અંબારામભાઈ વિલપરા ઉ.વ.45 ગઈકાલે સવારના સમયે પોતાના બાઇક પર મોરબીના લખધીરપુર રોડ નજીક પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા ટેન્કરના ચાલકે તેમને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે તાલુકા પોલીસના અશોકભાઈ દેત્રોજાએ જણાવ્યુ હતુ કે મૃતક રજનીકાંતભાઈ મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કોસો સીરામીક કારખાનામાં નોકરી કરતા હતા અને તેઓ ગઈકાલે સવારે પોતાના બાઇક પર કારખાનાના કામે મોરબી તરફ આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.