ફિલ્મ રિવ્યુ : મણિકર્ણિકા – ધ ક્વીન ઑફ ઝાંસી ( હિન્દી) : વો તો ઝાંસીવાલી રાની થી!

- text


“મેરી નસ નસ તાર કર દો,
ઔર બના દો એક સિતાર,
રાગ ભારત મુઝપે છેડો,
ઝનઝનાઓ બાર બાર”

આ પંક્તિઓ છે, મણિકર્ણિકા ફિલ્મના ‘ભારત’ ગીતની. કંગના રનૌટની ફિલ્મ મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી, એક વૉર-પીરીઓડિકલ ડ્રામા છે. ફિલ્મની શરૂઆતમાં આવે છે, એમ અહીં કેટલીક સીનેમેટિક લિબર્ટી લીધી છે એટલે કે ઇતિહાસની હકિકતોને યથાવત રાખીને કેટલીક બાબતોને રજૂ કરવામાં થોડી છૂટછાટ છે. ઉપરની ચાર લીટીના શબ્દોમાં જ ફિલ્મની આખી તાસીર છે. દેશપ્રેમ જગાડતી ફિલ્મ પ્રજાસત્તાક પર્વ પર આવે એટલે એની અસર અલગ જ હોવાની. આવો, ઇતિહાસનું શૌર્યથી ભરપૂર પાનું ખોલીએ!

ઝાંસી, એક રાજ્ય તરીકે, આપણા ઇતિહાસમાં અમર છે. રાણી લક્ષ્મીબાઈનું નામ સાંભળતાં જ ઘોડા પર બેઠેલી, પીઠ પર પોતાના બાળકને બાંધી, રણમેદાનમાં તલવાર વીંઝતી વિરાંગના આપણી સામે આવી જાય! સૌ જાણે છે એમ, ઝાંસીને હડપવા અંગ્રેજ અફસરોએ અનેક પ્રયત્નો કર્યા હતા, લોર્ડ ડેલહાઉસીની ખાલસાનીતિ આપણે સાતમા ધોરણમાં ભણી ગયા છીએ. જ્યારે વાર્તા જગજાહેર હોય, એ તબક્કે ફિલ્મની સફળતાનો આધાર સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર પર આવી જાય. કંગનાએ ફિલ્મમાં એક્ટર અને ડિરેકટર બંને રોલ કર્યા છે.

ઇ.સ.1828માં જન્મેલી દિકરી, ગંગા નદીના મણિકર્ણિકા ઘાટ પર જન્મી હોવાથી તેનું નામ જ એ પડી જાય. આ દિકરી જન્મે બ્રાહ્મણ પણ કર્મે ક્ષત્રિય (ભારતની વર્ણવ્યવસ્થાને વખોડતા લોકો નોંધ લે.) થાય છે. બાજીરાવ બીજાના બીઠુર રાજ્યમાં નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે પાસે તૈયાર થાય છે. હકીકતમાં તો એના લગ્ન 14 વર્ષની વયે જ ગંગાધરરાવ નેવલકર સાથે થઈ ગયા હતા. (ફિલ્મમાં કંગનાની ઉંમર ઓલમોસ્ટ ફિલ્મ દરમિયાન સરખી જ લાગે છે.) લગ્ન પછી તેણીનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવે છે. ઝાંસીના રાજાને એમના જ અંગત લોકો દ્વારા દગો કરી પુત્રવિહોણા કરી દેવામાં આવે છે, અને પછી રાજા પણ પોતે મૃત્યુ પામે છે. પછી શરૂ થાય છે, ઝાંસીને બચાવવાની કશ્મકશ. અંગ્રેજો સામે બહાદુરી બતાવનાર વિરાંગના રાણી લક્ષ્મીબાઈને એક ક્રાંતિકારી સ્ત્રી તરીકે, સંવેદનશીલ રાજકર્તા તરીકે, પ્રકૃતિ અને સાહિત્યપ્રેમી તરીકે, માતૃભૂમિના પૂજક તરીકે ફિલ્મમાં રજૂ કરાય છે.

કંગના રનૌટએ રીતસર આ પાત્ર જીવી લીધું છે. ચહેરા પરના અલગ અલગ ભાવને અદ્ભૂત રજૂ કર્યા છે. એકાદ બે સીન્સમાં એની સિગ્નેચર વોક આપણને ફેશન અને ક્વીનમાં તેણીએ કરેલાં શાનદાર અભિનયની યાદ અપાવી જાય છે. અહીં તેણીના પાત્રને ફોક્સડ જ રાખ્યું છે. ઘણાં કહે છે, ફિલ્મમાં બીજા પાત્રોને અન્યાય થયો છે. ખરેખર રાણી લક્ષ્મીબાઈનું પાત્ર જ એવું છે કે, રીએલમાં પણ એમ આપણને લાગે કે, ભારતમાં બીજા રાજાઓ જ્યારે ઘૂંટણિયે પડીને અંગ્રેજો સાથે સમાધાન કરતા હતા, ત્યારે તેમણે દર્શાવેલ અદ્ભૂત શૌર્ય કાબિલે તારીફ છે. કંગના એ ડાયરેકટર તરીકે પણ પોતાના પાત્રને નિખાર્યું છે. વિવિધ સેટ ડિઝાઇનમાં ‘મોરલા’ની પ્રતિકૃતિ, પાત્રની પરિપક્વતા વધે એમ ડ્રેસિંગ અને હેરસ્ટાઇલમાં પણ આપણને ઊંચાઈ આવતી લાગે! અરે, કપડાંનો કલર પણ અગાઉના સીનમાં બનેલી ઘટનાને અનુરૂપ! ક્યા કહેને કંગના!

- text

પતિનું મૃત્યુ થતાં તેણીને વિધવાનું જીવન જીવવા ફરજ પાડવામાં આવે ત્યારે તેણી કહે છે, લક્ષ્મી વિધવા હુઈ હૈ, ઝાંસી અભી ભી સુહાગન હૈ! તેણી સિંહાસન પર બેસે છે, રાજ કરે છે, પ્રજાનું રક્ષણ કરે છે. મરાઠી સ્ત્રીઓ જેવો ચાંલ્લો કરે છે. ઘરેણાં પણ પહેરે છે. પણ એક વાત નોટિસ કરવા જેવી, ફિલ્મમાં પતિના મૃત્યુ પછી નાકમાં ‘દાણો’ પહેરતી નથી! – યે હૈ ડિરેક્શન!

ફિલ્મમાં બીજા ઘણાં પાત્રો છે, એમાં ટીવી સ્ટાર અંકિતા લોખંડે ધ્યાન ખેંચે છે. ડેનીનું પાત્ર અહીં પોઝીટીવ સાઈડ તરફનું છે. મહંમદ ઝેહશાન અય્યુબએ નેગેટિવ રોલ કર્યો છે. અંગ્રેજના રોલમાં રિચાર્ડ કીપ જનરલ હ્યુના રોલમાં થોડો જામે છે. અતુલ કુલકર્ણી, કુલભુષણ ખરબંદા સહિતની સ્ટારકાસ્ટ જોવી ગમે છે. કંગનાના મોઢે બોલાયેલા એક એક ડાયલોગ જબરદસ્ત છે. પ્રસૂન જોશી જેવા શબ્દકારે મોતીની વીણી વીણીને શબ્દો ગુંથ્યા છે. સ્ક્રિનપ્લે સારું છે, પાત્રના પાત્ર બનવાની સફર સારી રીતે બતાવી છે. ફિલ્મના ગીતોમાં વિજયી ભવ: અને ‘ભારત’ ગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. પ્રસૂન જોશીજીએ લખેલા ગીતના શબ્દો પણ ફિલ્મના ભાવને વધુ મજબુત બનાવતા જાય છે. ફિલ્મમાં સ્ત્રીસેના તૈયાર કરતી વખતે આવતો મોનોલોગ ઇમોશનલ છે. ફિલ્મની વિશેષતા એ છે કે, દરેક બે ત્રણ સીન પછી એક ઇમોશનલ સોફ્ટ સીન આવે છે, તમારા હૃદયને ભીંજવી જાય છે!

ફિલ્મમાં ભવ્ય સેટ્સ, ભવ્ય મહેલ, ઘરેણાં, ભવ્ય યુદ્ધ સીન નથી એમ નથી. જેટલાં હોવા જોઈએ એ એટલાં જ છે. રાણી લક્ષ્મીબાઈ સેન્ટરમાં છે. બીજું બધું જ લિમિટેડ. બાયોપિકનું આ જ લક્ષણ કહેવાય. ફિલ્મની ખામીઓ કાઢવા વાળા ઇફેક્ટસની, સ્ટોરી લાઇનની, ઓવર એક્ટિંગની ખામી ભલે કાઢે, ફિલ્મમાં દેશપ્રેમનો આત્મા વણાયેલો તમે જોઈ શકશો. આપણાં ગૌરવવંતા ઇતિહાસના વીરસપૂતોનું બલિદાન આપણી આઝાદીમાં કારણરૂપ છે. આવનારી પેઢીઓના સુખ માટે તેઓએ પ્રાણત્યાગ કરી, એક સપનું વાવ્યું હતું, જે આઝાદીની લડાઈમાં પ્રેરણારૂપ હતું. 1857નો વિપ્લવનો સમયગાળો પણ ફિલ્મના ક્લાઈમેક્સમાં છે. ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇના જીવનના કેટલાક અણદીઠા પડછાયા પણ છે. એ સત્ય હોય કે ન હોય, પણ ફિલ્મ જોયા પછી તમે એમના વિશેના આદરને મનમાં લઇને ફિલ્મમાંથી બહાર નીકળશો.

જોવાય કે નહીં?
કંગના રનૌટ ફેન ક્લબે તો ફિલ્મ જોવી જ પડશે. આ રોલમાં એના સિવાય બીજું કોઈ જ ન ચાલે. ફિલ્મમાં એક બ્લોક બસ્ટર ફિલ્મના ઘણાખરાં લક્ષણો છે. ફિલ્મ પરિવારની દરેક સ્ત્રી સાથે બેસીને જોવી જોઈએ જ. ઇતિહાસની ફિલ્મોમાં રસ ન પડતો હોય, એવા લોકો ને ઓછી ગમે એવું બને!

અંગ્રેજ જનરલ હ્યુ રોઝે એમની આત્મકથામાં ઝાંસીની રાણી વિશે લખેલું એક વાક્ય ફિલ્મમાં એન્ડ ક્રેડિટ્સ પહેલાં આવે છે. ફિલ્મના અંતમાં વિવિધ કેરેક્ટરના મોન્ટાજ વચ્ચે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રીયલ ફોટો જોવાનું ચૂકતા નહીં!

રેટિંગ : 8.0/10.0

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

 

- text