મોરબી : માનવ ઉત્થાન સેવા આશ્રમના નિર્માણ અંતર્ગત સત્સંગ યોજાયો

- text


આ સત્સંગમાં સંસ્થાના મહાત્માઓ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : માનવ ઉત્થાન સેવા સમિતિના પ્રણેતા સતપાલજી મહારાજની પ્રેરણાથી મોરબી જિલ્લામાં માનવ ઉત્થાન સેવા આશ્રમના નિર્માણના હેતુ માટે આધ્યાત્મિક જાગરણ સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન શક્ત શનાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મહાત્માઓ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહનો હેતુ માનવ સેવા એ જ પ્રભુસેવા, સનાતન ધર્મ, સર્વધર્મ સમભાવ, અનેકતામાં એકતા જેવી ઉક્તિઓ ચરિતાર્થ કરવાનો હતો. આ સમારોહમાં વડોદરાથી બાલકૃષ્ણાનંદ મહારાજ, સુરતથી અધિનાબાઈજી અને વિદ્યુતમાબાઈજી, રાજકોટથી પ્રવિણાબાઈજી અને મનીષાબાઈજી અને મોરબીથી સુનિતાબાઈજી આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લાના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, પી.કે. ગઢવી (સુપ્રિટેન્ડન્ટ ઓફ જેલ મોરબી), લલિતભાઈ કગથરા(ધારાસભ્ય, ટંકારા પડધરી), બ્રિજેશ મેરજા (ધારાસભ્ય, મોરબી માળીયા), વિક્રમસિંહ જાડેજા(વવાણીયા), પી ડી કાંજીયા (નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રીમો), સુરેશભાઈ દેસાઈ(માજી નગરપાલિકા સદસ્ય) પધાર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય આયોજક કનકસિંહ જાડેજા(મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજ પ્રમુખ) એ શાબ્દિક પ્રવચન તેમજ સંસ્થાની આછેરી ઝલક આપી હતી. અતિથિઓનું સ્વાગત સ્તુતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ ડી. શુદ્રા (આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત)એ કર્યું હતું.

નરભેરામભાઇ શિરવી પરિવાર દ્વારા આ આશ્રમ બનાવવા માટે ભુમીદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના બાલકૃષ્ણાનંદ મહારાજ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના આ ઘોર કળિયુગમાં અત્યંત દુષિત વાતાવરણમાં માનવ જીવનના સાચા લક્ષ્યને ભૂલીને ઈર્ષ્યા, દ્વેષ તેમજ દુર્ભાવ જેવા અવગુણો અપનાવી રહ્યો છે. આવી વિષમ પરિસ્થિતિમાં અજ્ઞાનને દૂર કરવા જ્ઞાનની જરૂર પડે છે. અધિનાબાઈજીએ પોતાના પ્રવચનમાં મનુષ્યના સાચા ધર્મ વિષેની વાતો કરી તેમજ વિદ્યુતમાબાઈજીએ ભજન સત્સંગ અને સુમિરન દ્વારા આત્માને જોવા માટે નિર્મલ જ્ઞાનરૂપી નેત્રની જરૂર છે તેમ જણાવ્યું. અંતમાં મહાત્માઓ દ્વારા આરતી સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text