મોરબી : ગટરની ગંદકીના કારણે એક દિવસમાં 15થી વધુ બાઈક સ્લીપ થયા, જુઓ સીસીટીવી

- text


સરકારી તંત્ર જાણે કેહવા માંગતું હોય કે, સરરર, કરતા સરકી હાડકા ભાંગવા હોય તો આવો મોરબીમાં : ખુદ જિલ્લા કલેકટરના બંગલા પાસે ગટરની ગંદકીમા પાલિકાની સ્કીમ : વાહન લઈને નીકળો એટલે છ મહિનાનો ખાટલો મફત

મોરબી : મોરબી પાલિકાના લાપરવાહ તંત્રના પાપે જિલ્લાના રાજા એવા કલેક્ટરના બંગલા પાસે છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરોને પાપે રોડ ઉપર શેવાળનું સામ્રાજ્ય છવાઈ જતા આજથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરે વાહન ચાલકો માટે સરરર…કરતા સરકી જવાની અને હાડકા ભાંગવાની નવીનતમ સ્કીમ રજૂ કરી છે જેમાં આજના દિવસે ૧૫ થી ૨૦ વાહન ચાલકોના હાડકા ખોખરા થઈ જવા પામ્યા છે.

મોરબી નગરપાલિકાના નપાવટ તંત્રના પાપે સ્વચ્છતા સર્વેક્ષણના નાટક ચલાવી શહેરભરમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધું છે જેમા શરમ વગરના તંત્ર દ્વારા જિલ્લાનાં રાજા ગણાતા જિલ્લા કલેકટરના બંગલાના આંગણામા જ છેલ્લા બે માસ કરતા વધુ સમયથી ગટરો છલકાતી હોવા છતાં મરામત કરવાની તસ્દી ન લેતા આ મુખ્ય રસ્તો વાહન ચાલકો માટે અત્યંત જોખમી બન્યો છે.

- text

બબ્બે મહિનાથી સતત વહેતા ગંદા પાણીમાં હવે તો રોડ ઉપર શેવાળ જામવા લાગ્યો છે અને રોડની સપાટી ગંદકીના કારણે એટલી ચીકાશયુક્ત બની છે કે દરરોજ ૧૦થી વધુ લોકો ભુફાકા ખાઈ રહ્યા છે.

આજના દિવસમાં જ કલેકટર બંગલા પાસે ઓછામાં ઓછા ૧૫ લોકો નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે લપસીને પડી જતા કેટલાકને તો ઇજાઓ પણ પહોંચી છે અને કેટલાક મૂંઢ ઇજાઓ સાથે પાલિકાને કોષતા જોવા મલ્યા હતા.

આ સંજોગોમાં એક વાત તો સ્પષ્ટ છે કે મોરબી પાલિકાનું નઘરોળ તંત્ર તો સૌ કોઈ સમજી શકે છે પરંતુ ખુદ જિલ્લા કલેકટરના આંગણે ગંદકી ખડબદતી હોવા છતાં શા માટે જિલ્લાના રાજા ચૂપ છે ? શું પાલિકાના ચીફ ઓફિસર એમને પણ ગાંઠતા નથી ? તેવા સવાલો સરરર…કરતા લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

જિલ્લા કલેકટરના બંગલા પાસે ગટરની ગંદકીના કારણે એક દિવસમાં 15થી વધુ બાઈક સ્લીપ થયા, જુઓ સીસીટીવી

- text