મોરબીમાં સોડા લેમનના ધંધાર્થીનો પુત્ર બન્યો ડોકટર

પિતાએ પેટેપાટા બાંધીને પુત્રને ભણાવ્યો તો પુત્રએ પણ પિતાની મહેનતને મંઝિલ સુધી પહોંચાડી પિતાનું નામ રોશન કર્યું

મોરબી : કહેવાઈ છે કે સિદ્ધિ એને જ વરે જે પરસેવે રેબઝેબ ન્હાય. મોરબીના સામાન્ય પરિવારના પુત્રે આ બાબતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. સોડા લેમનનો વ્યવસાય કરતા પિતાએ કાળી મજુરું કરીને પુત્રને ભણાવ્યો તો પુત્રએ પણ પિતાની મહેનતને સાર્થક કરીને અથાક પુરુષાર્થથી ડોકટર બનીને પિતાને સમાજમાં માનભેર સ્થાન આપ્યું છે.

મોરબીમાં રહેતા ઝાલાવડી ઘાચી સમાજના લોલાડીયા હનીફભાઈ ઈબ્રાહીમભાઈ સોડા લેમનનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે પરિસ્થિતિવશ તેઓ ભણી શક્યા ન હોય તેમનો પુત્ર અહેમદ ભણી ગણીને સમાજમાં માનભેર જીવન ગુજારી શકે તે માટે તેમને પુત્રને નાનપણથી સારું શિક્ષણ અપાવ્યું હતું. આથી પુત્ર અહેમદ પણ પિતાની મહેનતને ખરા અર્થમાં સાર્થક કરીને શિક્ષણમાં તેજસ્વી રહેતો હતો અને કારકિર્દીના મહત્વના મુકામમાં પણ તેણે કઠોર પરિશ્રમ કરીને ઝળહળતી સિદ્ધિ મેળવી હતી.જેમાં અહેમદએ સમગ્ર ભારતમાં મહત્વનું સ્થાન ધરાવતી જામનગરની ગુલાબ કુંવરબા મહાવિધાલય મેડિકલ કોલેજમાં બી.એ.એમ.એસ.નો ડોકટરનો કોર્ષ એ ગ્રેડમાં પૂર્ણ કરી પિતાની છાતીને ગજ ગજ થી ફુલાવી દીધી હતી. પિતાની મહેનતનું વળતર પુત્ર ડોકટર બનવાની ઝળહળતી સિદ્ધિથી આપતા તેમની ખુશીની કોઈ સીમા રહી ન હતી. સામાન્ય રીતે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું ઓછું પ્રમાણ હોય ત્યારે સામાન્ય સ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારનો દીકરાએ ડોકટર બનીને સમાજનું ગૌરવ વધાર્યું છે. તે હવે આગળ અભ્યાસમાં એમ.ડી. થવાની ઇચ્છા ધરાવે છે.