મોરબી : પોલીસની આશા રાખ્યા વગર ચોરીના બનાવો અટકાવવા ગ્રામજનો મેદાને

- text


પીપળીયા ચાર રસ્તા પાસેના ગામ બાદ બિલિયા ગામે તસ્કરોનો તરખાટ રોકવા ગામ લોકોએ રાત્રી પહેરો ગોઠવ્યો

મોરબી: મોરબી પંથકમાં ઠંડીનું જોર વધતાની સાથે પોલીસની નિષ્ક્રિયતાના કારણે તસ્કરરાજ જેવી સ્થિતિ સર્જાઈ છે.અને નાની મોટી ચોરીના બનાવો વધતા કિંમતી માલમતા ચોરાઈ જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.પોલીસની આશા રાખ્યા વગર ગ્રામજનો ચોરીના બનાવોને કડક હાથે ડામી દેવા મેદાને પડ્યા છે. પીપીળિયા ચાર રસ્તા પાસેના ગામ બાદ હવે બિલિયા ગામે ગ્રામજનોએ રાત્રી પહેરો ગોઠવ્યો છે.

મોરબી પંથકમાં ઠંડી વધતાની સાથે જ તસ્કરો બખોલમાંથી બહાર આવી ગયા હોય તેમ નાની મોટી ચોરીના બનાવો ઝડપભેર વધી ગયા છે.તસ્કરોને તરખાટથી પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીગ પર મોટો સવાલ ઉઠ્યો છે. દરરોજ કોઈને કોઈ જગ્યાએ ચોરી થઈ હોવાનું બહાર આવે છે.પરંતુ પોલીસ જાણે કડકડતી ટાઢમાં ગરમ ધાબળામાં નસકોરા બોલાવતી હોય તેમ તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે અને અનેક ગામમાં પોલીસનું નાઈટ પેટ્રોલીગ અસરકારક બનાવવાની માંગ ઉઠી છે. પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે પોલીસ આ બાબતે પૂરતો સહયોગ ન આપતા હવે ગામલોકોને જાગ્રુત થવાની ફરજ પડી છે.

- text

તસ્કરોનો તરખાટ રોકવા હવે ગામલોકો મેદાને આવ્યા છે.અને રાત ઉજાગરા કરી રહ્યા છે.થોડા સમય પહેલા પીપીળિયા ચાર રસ્તા પાસેના ગામમાં લોકોએ રાત્રી પહેરો ગોઠવ્યા બાદ મોરબી તાલુકાના બિલિયા ગામે પણ ગામલોકો રાત્રી પહેરો શરૂ કર્યો છે. બિલિયા ગામના લોકોના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ બિલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે દુકાનો તૂટી હતી.આથી કિંમતી માલમતા બચાવવા માટે પોલીસ પર નિર્ભર રહેવાને બદલે જાતે જ સજાગ બનીને દરરોજ 20 જેટલા લોકો રાત્રી પહેરો ભરે છે.જોકે આ બાબત પોલીસ માટે લપડાક સમાન છે.

- text