વાંકાનેર : વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રેલી અને લોકજાગૃતિના કાર્યક્રમ યોજાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં શૈક્ષણિક ક્ષેત્રે નામાંકિત વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા આજે “યુવાદિન” નિમિત્તે વિશ્વ સમક્ષ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ “પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણ” તેમજ માણસની સામાજિકતા અને સંવેદનશીલતા સામેની સમસ્યા “સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ”ના મામલે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં ભણતાં વિદ્યાર્થીઓના સથવારે સમાજમાં વ્યાપેલ આ સમસ્યાઓ વિરુદ્ધ લોકજુવાળ જગાવવા અને સમસ્યાના સમાધાન માટે લોકો પ્રયત્નશીલ બને એ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર શહેરને સાત વિભાગમાં વિવેકાનંદ સોસાયટી – બ્રહ્મસમાજ, આરોગ્ય નગર-કુંભાર પરા, દિવાનપરા-પેડક, રામચોક-ગ્રીનચોક, જીનપરા – ભાટીયા સોસાયટી તેમજ કિશાનપરા-વીસીપરામાં વિભાજિત કરી સવારે 9 થી 10 કલાક સુધી રેલી અને ત્યારબાદ જાહેરસભા નું દરેક વિભાગમાં આયોજન કરેલ જેમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત વિષય પર વ્યક્તત્વ સાથે વિદ્યાર્થીઓએ સંદેશાત્મક નાટક રજૂ કરેલ.

સાત સભાઓમાં વક્તાઓએ પ્લાસ્ટિક પરમાણું બોમ્બ કરતાં પણ મોટો ખતરો હોવાનું, પ્લાસ્ટીકનાં કચરાથી દરિયાઈ જીવો મરણ પામતાં હોવાની હકીકત, પ્લાસ્ટીકના કચરાની ૧૦૦૦ થી વધુ પ્રકારની માછલીઓ, ઔષધીય વનસ્પતિઓ તેમજ અંદાજે ૧૨ ટકા જેટલા પશુઓ લુપ્ત થઈ ગયાં હોવાની બાબત, પ્લાસ્ટિકની દૂધની થેલીઓ, પાણીની બોટલો, લંચબોક્ષ, પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરાયેલ ખાદ્ય સામગ્રીના ઉપયોગથી પ્લાસ્ટિકના ઝેરી તત્વો શરીરમાં જઈ ડાયાબિટીસ, કેન્સર, હ્દયરોગ, જાડાપણું જેવા રોગો થવા, માતાનાં ગર્ભમાં રહેલા ભૃણનો વિકાસ રૂંધાવા જેવી બીમારીઓ નોતરી જીવન જોખમાય તેવી રજૂઆતો થઈ હતી.

- text

સોશિયલ મીડિયાનાં વધું પડતાં વપરાશથી પારિવારિક સંબંધો તૂટતા જાય છે બાળકો સ્વાર્થી અને આક્રમક બનતાં જાય છે મોબાઈલ ગેમ, વોટ્સએપ, ટ્વીટર, ફેસબુકના માધ્યમથી વિચારશીલતા સમજણ અને આંતરિક શક્તિઓ ખતમ થાય છે તેમજ મનોરોગી અને માંદલો સમાજ આકાર લે છે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ હતી.

કાર્યક્રમના અંતે બધા સ્થાન પર ઉપસ્થિત લોકોને ભવિષ્યમાં પ્લાસ્ટિક અને સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવેલ આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અને પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાના આહવાનથી તમામ ટ્રસ્ટીઓ, પ્રધાનાચાર્ય, શિક્ષકગણ ઉપરાંત ૧૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ અન્ય નાગરિકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ.

વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના આ કાર્યક્રમમાં સંઘના સંઘચાલક ડો. દેલવાડીયા, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી, દોશી કોલેજના પ્રિન્સિપાલ ચુડાસમા સાહેબ, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, મણીભાઈ પટેલ, બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેન શ્રી શૈલાબહેન, વાંકાનેર નગરપાલિકાના દિપકસિંહ ઝાલા, ઇન્દુભા જાડેજા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી રેલીને પ્રસ્થાન તથા સભા સંબોધન કરેલ.

 

- text