વાંકાનેર પંથકમાં ચાલતી બેફામ રેતી ચોરી ડામવા પ્રાંત અધિકારી મેદાને

- text


મોડી રાત્રે દરોડો પાડી રેતી ચોરી કરતાં લોડર અને ટ્રેકટરો જપ્ત કર્યા

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ચાલતી બેફામ ખનીજચોરી પર જિલ્લા ખનીજ અધિકારીનો કોઈ કન્ટ્રોલ ન હોવાથી તેમજ સતત મળતી ફરિયાદોના સંદર્ભે વાંકાનેર પ્રાંત અધિકારીએ ગત મોડી રાત્રીના વાંકાનેર તાલુકા પોલીસને સાથે રાખી દરોડા પાડેલ હતા.

ગત મોડી રાત્રે વાંકાનેરના હોલમઢ અને જાલસીકા ગામ પાસે વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, વાંકાનેર સર્કલ ઓફિસર તેમજ વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત રીતે ખાનગી રાહે માહિતી મેળવી ઓપરેશન પાર પાડી રાત્રિના સમયે ચાલતાં રેતી ચોરીમાં દરોડા પાડી એક લોડર, બે ટ્રેકટર તેમજ એક રેતી ચારવાનો મોટો ચાયણો ઝડપી પાડેલ તેમજ નદીની આજુબાજુમાં રેતીના મોટા આઠથી દસ સ્ટોકના ઢગલાની માપણી કરવા માટે મોરબી ખાણ ખનિજ અધિકારીને જણાવેલ છે. આ દરોડાની માહિતી મળતાં મહીકા પંથકમાં રેતીચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ અને ત્યાં રેતીચોરીમાં ચાલતાં અન્ય લોડરો તેમજ ડમ્પર લઈ રેતીમાફિયાઓ ભાગી ગયેલ હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર રેતીચોરી ખુલ્લેઆમ ફૂલીફાલી છે અનેક ફરિયાદ હોવા છતાં મોરબી જિલ્લા ખાણ ખનીજ નોંધપાત્ર કામગીરી નથી કરી રહ્યું. ક્યારેક એકાદ કેસ કરી દેખાડવા પૂરતી કામગીરી કરી ખનીજખાતું પોતાની પિઠ થબથબાવી રહ્યું છે. રેતી માફિયાઓની ફરિયાદો મળતાં તાજેતરમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર. ગઢવી દ્વારા મહિકા પંથકમાં ચાલતા રેતીચોરીનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની રેતી ચોરી ઉજાગર કરેલ પરંતુ ખનીજ ખાતાની મહેરબાનીથી એ રેતીચોરીનો આંક અંદાજે ૧૦ લાખ થઈ ગયેલ. આજે વધુ એક વખત ખાણ ખનીજની લાપરવાહી વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રેડ પાડી રેતીચોરી કરતાં માફીયાઓના વાહનો જપ્ત કરતાં છતી થઈ છે. વાંકાનેર પંથકમાં ચાલતી રેતી ચોરીમાં રેતમાફિયાઓને ગેરકાયદેસર રીતે રેતીની રોયલ્ટી પૂરી પાડતાં રાતીદેવડી અને વાંકીયાની લીઝો પર કેમ કોઇ કાર્યવાહી મોરબી જિલ્લા ખાણ ખનીજ દ્વારા નથી થઇ રહી તે તપાસનો વિષય છે.

- text

આમ તો વાંકાનેર પ્રાંત અધિકારીને વાંકાનેર પંથકના ખેડૂતોને લગતાં જમીનોના અસંખ્ય કેસો પેન્ડિંગ પડેલ હોય તેમની પ્રાથમિકતા આ કેસોનો ઝડપી નિકાલ કરવાનો રહ્યો છે અને ઘણાં લાંબા સમયથી આ કેસો પેન્ડિંગ પડેલ હોય પોતાનો વધુ પડતો સમય આપી આ કેસનો નિકાલ કરવામાં પ્રશંસાપાત્ર કામગીરી કરી રહ્યા છે છતાં તેમને મળેલી ચોરીની ફરિયાદ સંદર્ભે મોડી રાત્રે રેડ પાડતાં વાંકાનેર પ્રાંત અધિકારીની કામગીરી દિપીઉઠી છે.

આજે મોરબી જિલ્લા ખાણ ખનીજ દ્વારા વાંકાનેરના જડેશ્વર રોડ પરથી એક ૩૦ ટન કપચી ભરેલ ડમ્પર ઝડપી પાડી પોતાનો લુલો બચાવ કરેલ છે પરંતુ આ ડમ્પર જ્યાંથી ભરવામાં આવ્યું તે ક્રસર પર કોઈ જાતની તપાસ ન કરી ફરી એક વખત મોરબી જિલ્લા ખાણ-ખનીજની કામગીરી ચર્ચાસ્પદ રહેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text